Mysamachar.in:અમદાવાદ:
રાજ્યમાં કયાંય પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટનાઓ બને એટલે નિયમો અને જોગવાઈઓની ચર્ચાઓ થતી હોય છે. બીજી તરફ એ પણ હકીકત છે કે, જે બાબતોમાં સ્પષ્ટ નિયમો અને જોગવાઈઓ હોય છે તેનું પાલન ન કરાવવાની પણ અધિકારીઓને આદત હોય છે. આવી બાબતોમાં નેતાઓ પણ દખલગીરી કરતાં હોય છે. અને, ઘણી બધી ગંભીર બાબતો એવી પણ હોય છે, જેમાં નિયમો અને જોગવાઈઓ ગોળ ગોળ હોય છે, અધિકારીઓની જવાબદારીઓ ફીક્સ કરવામાં આવતી નથી અથવા, એમ કહો કે એમને સ્પષ્ટતાઓનો અભાવ આગળ ધરી, દુર્ઘટનાઓ બાદ બચાવી લેવામાં આવે છે. આ ટ્રેન્ડ સમગ્ર રાજ્યમાં જોવા મળે છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ આ પ્રકારના અહેવાલ ચોક્કસ હેતુઓ સાથે, વહેતાં કરાવવામાં આવ્યા છે. અધિકારીઓ માટે બચાવની ઢાલ શોધવામાં આવી રહી છે. એક રિપોર્ટ કહે છે: અધિકારીઓની જવાબદારીઓ ફીક્સ કરવા GDCR માં સુધારાઓ જરૂરી છે. આ જ્ઞાની લોકો અત્યાર સુધી મૌન શા માટે રહ્યા ? સરકારો અથવા જનપ્રતિનિધિઓએ અત્યાર સુધી આ દિશામાં કેમ કશું વિચાર્યું નહીં ? અત્યારે આ ડહાપણ વેરવા પાછળ કોનો, શું આશય છે ? એવી પણ ચર્ચાઓ છે.
મહાનગરપાલિકાઓના અધિકારીઓ કહે છે, GDCR માં સુધારાઓ જરૂરી છે. ગેમઝોનને કોમર્શિયલ પ્રકારની મંજૂરીઓ આપવામાં આવે છે. ખરેખર તો જ્યાં ઘણાં બધાં લોકો રોજ અથવા તહેવારોમાં મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય ત્યાં, મંજૂરીઓ આપવા માટે GDCR માં સુધારાઓ કરવાની તાતી જરૂરિયાત છે, એમ એક અહેવાલ કહે છે.
આ રિપોર્ટ આગળ કહે છે: ગેમઝોનને મંજૂરીઓ આપનાર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, શહેર વિકાસ વિભાગ, ફાયર NOC આપનાર ફાયર શાખા વગેરેના અધિકારીઓની જવાબદારીઓ ફીક્સ કરવી જોઈએ. આ મંજૂરીઓ આપતી વેળાએ તે સ્થળ પર સલામતી અને સુરક્ષાની વ્યવસ્થાઓમાં ધોરણો જળવાયા છે કે કેમ ? તે જોવાની જવાબદારીઓ અને એ માટેના અધિકારીઓ ફીક્સ થવા જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉની દુર્ઘટનાઓ વખતે પણ આ મુદ્દાઓ ચર્ચાઓમાં રહ્યા હતાં. પછી બધાં બધું ભૂલી ગયા.
આ રિપોર્ટ એમ પણ કહે છે: દાખલા તરીકે ફાયર પ્રિવેન્શન માટેના સાધનો ચાલુ અને અસરકારક હાલતમાં છે કે કેમ ? તેની નિયમિત ચકાસણીઓ થવી જોઈએ. આ ચકાસણીઓ કરવાની જવાબદારીઓ ચોક્કસ અધિકારીની ફીક્સ થવી જોઈએ. જેથી આવી કોઈ દુર્ઘટનાઓ બને ત્યારે, સ્થળ સંચાલકો સાથે જવાબદાર અધિકારીની વિરુદ્ધ પણ કડક કાર્યવાહીઓ થઈ શકે.
અધિકારીઓનું માનવું છે કે, જે જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવી જગ્યાઓ પર વિવિધ મંજૂરીઓની જરૂર પડતી હોય છે, પરંતુ તે માટે કોઈ ચોક્કસ જોગવાઈઓ કે નિયમો નથી (!) આથી, રાજ્ય સરકારે આવા કાયમી કે હંગામી સ્ટ્રક્ચર સંબંધે GDCR માં ખાસ સુધારાઓ તાકીદે કરવા હિતાવહ લેખાશે.