Mysamachar.in-જામનગર:
શહેર કોઈ પણ હોય, ઘણું બધું ગેરકાયદેસર ચાલતું રહેતું હોય છે અને સૌ જવાબદાર અધિકારીઓ ધરાર આંખો મીંચી બધું ચાલવા દેતાં હોય છે કેમ કે, કાં તો ભલામણો આવતી હોય અથવા ગેરલાભ અંકે કરવામાં આવતાં હોય, જામનગર શહેર પણ આ પ્રકારનું એક શહેર છે- આ હકીકત હવે જાહેર થઈ.
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી 14 ગેમઝોન ગેરકાયદેસર ધમધમતાં રહ્યા. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બન્યો ન હોત તો, આજે પણ અધિકારીઓની મીઠી નજર હેઠળ આ ગેમઝોન ધમધમતાં રહ્યા હોત. રાજકોટમાં અગ્નિકાંડ સર્જાતા જામનગરમાં પણ અધિકારીઓને આ ગેરકાયદેસર ગેમઝોન બંધ કરાવવાની ફરજો પડી છે.

રવિવારે કોર્પોરેશનની શાખાઓ જાગી. અને, શહેરમાં ગેમઝોન બંધ કરાવવા નીકળી. જે પહેલા અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિગતો સામે આવી કે, જામનગર શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે 14 ગેમઝોન ધમધમે છે. આ ગેમઝોન પૈકી એક પણ ગેમઝોન પાસે કોર્પોરેશનની ફાયર શાખાનું NOC નથી.
જામનગર મહાનગરપાલિકાની ટીમે શનિવારે રાતે તળાવની પાળે બાળકો માટેની ઘણી બધી રાઈડસ બંધ કરાવી.આ ઉપરાંત ખોડિયાર કોલોની વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં ગેમઝોન ધમધમતો હતો. તે બંધ કરાવવામાં આવ્યો. એ જ રીતે એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ ગેમઝોન ધમધમતો હતો. લાલપુર બાયપાસ ચોકડી પાસે, દિગ્વિજય પ્લોટમાં, પટેલ કોલોનીમાં, રણજિતસાગર રોડ પર, અંબર ટોકીઝ રોડ પર, યુનિક શોપિંગ સેન્ટર તથા અન્ય કેટલાંક સ્થળ પર વીડિયો ગેમ પાર્લર પણ બંધ કરાવવામાં આવ્યા. એ જ રીતે મોરબી, અમરેલી, જૂનાગઢ સહિતના શહેરોમાં પણ ત્યાંના અધિકારીઓએ આવા ગેમઝોન બંધ કરાવ્યા. અત્યાર સુધી આ તમામ ગેમઝોનની ચકાસણીઓ શા માટે કરવામાં આવી નહીં ? એ પ્રશ્ન લોકો વચ્ચે ચર્ચાઓમાં છે.
