Mysamachar.in:જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા નંબર 2 ગામમાં એક પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ છે, પરિવારમાં શોકનો માહોલ એટલા માટે છે કે એક જ પરિવારના માતા પુત્રીના ગામના સ્થાનિક ડેમમાં ડૂબી જતા મોત થયા છે, આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે જાહેર થયેલ વિગતો એવી છે કે…

કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામે મણવર ડેમ આવેલ છે આ ડેમ ખાતે ગામમાં જ રહેતા રસીલાબેન ઉ.વ.39 વાળા તથા તેમની દિકરી હેત્વી ઉ.વ.15 વાળી તથા દેરાણી કાજલબેન સાથે બપોરના સાડા ત્રણેક વાગ્યે ગામની સીમમાં આવેલ મણવર ડેમ ખાતે કપડાં ધોવા ગયેલ હતા તે દરમ્યાન રસીલાબેનની દીકરી હેત્વીનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં પડી જતા રસીલાબેન તેને બચાવવા જતા બંને ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ સ્થાનીકોએ અથાગ મહેનત કરી બન્નેને બહાર નીકાળી કાલાવડ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં માતા રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા અને તેની પુત્રી હેત્વીબેન વિજયભાઈ ડાંગરિયાનું પાણીમાં ડૂબી જવાથી મરણ થયાનું જાહેર થયું છે.
