Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં મેડિકલ કોલેજ તથા હોસ્પિટલોમાં અવારનવાર જૂનિયર તબીબી વિદ્યાર્થીઓ પર સિનિયર વિદ્યાર્થીઓ અત્યાચાર કરતાં હોવાની ખબરો બહાર આવતી હોય છે પરંતુ ચોક્કસ કેસોને બાદ કરતાં આકરાં પગલાંઓ ભાગ્યે જ લેવાતાં હોય છે, કેટલાંક કિસ્સાઓ તો છેક વડી અદાલત સુધી પણ પહોંચતા હોય છે. રેગિંગનો વધુ એક બનાવ જાહેર થયો છે જેમાં સિનિયર તબીબી વિદ્યાર્થીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા એક્શન લેવાયા છે.
અમદાવાદમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં આ બનાવ બનેલો. રેગિંગના આ બનાવે રાજ્યમાં ચકચાર જગાવેલી. આ મામલામાં ત્રીજા વર્ષના એક વિદ્યાર્થીને બે વર્ષ માટે, એક તબીબી વિદ્યાર્થીને એક વર્ષ માટે અને બેને 28 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલો એન્ટિ રેગિંગ કમિટીને બદલે કોલેજ કાઉન્સિલ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો. આ મેડિકલ કોલેજ અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આવેલી છે.
આ મામલામાં કોલેજના ત્રીજા વર્ષના તબીબી વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા જૂનિયર વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરતાં હતાં. જાહેરમાં ગાળાગાળી કરવામાં આવતી, ખરાબ ભાષાનો ઉપયોગ થતો અને સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયરોને બેબે કેસ પેપર 700થી 1,000 વખત લખવા આપતાં હતાં એવું ફરિયાદમાં જણાવાયેલું અને બાદમાં તપાસમાં ફલિત થયું. આથી સિનિયર વિદ્યાર્થીઓને સજા આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં આ પ્રવૃતિઓ ઘણાં સમયથી ચાલતી હતી. અગાઉ આ બાબતે HoD સમક્ષ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ દાખલ થયા બાદ પણ કોઈ કાર્યવાહીઓ થઈ નહીં. બાદમાં મામલો કોલેજના ડીન સુધી પહોંચ્યો. સામાન્ય રીતે આવા મામલા એન્ટિ રેગિંગ સમિતિ સમક્ષ જતાં હોય છે, આ મામલો કોલેજ કાઉન્સિલ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો. કાઉન્સિલે સિનિયર અને જૂનિયર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં HoDની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ મામલામાં વ્રજ વાઘાણીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. શિવાની પટેલ નામની છાત્રાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી. અને, કરણ પરજિયા અને અનેરી નાયકને 28-28 દિવસ માટે સસ્પેન્ડ કરવા આદેશ થયો છે. આ મામલામાં કસૂરવાર સિનિયર તબીબી વિદ્યાર્થીઓના વાલીઓએ ગંભીર સજા ન કરવા અપીલ કરી હતી. આથી આ મામલા અંગે નેશનલ મેડિકલ કમિશનને જાણ કરવામાં ન આવી. અને, કાઉન્સિલ તથા હેરેસમેન્ટ વિભાગ દ્વારા આ કેસ ચલાવવામાં આવ્યો.(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)