Mysamachar.in:જામનગર:
લિફ્ટમાં માણસો ફસાઈ જવાની ઘટનાઓ ઉપરાઉપરી બની રહી હોય, લોકોને પ્રથમ અને સ્વાભાવિક શંકાઓ એ થાય છે કે, આ પ્રકારના ઉપરાઉપરી બનાવો યોગાનુયોગ હોય છે કે, કોઈ પ્રકારની ગોઠવણ હોય છે ?!
લોકોમાં એવો પણ પ્રશ્ન છે કે, દરેક લિફ્ટ માટે મેન્ટેનન્સ ફરજિયાત હોય છે. એ માટે ખાસ તંત્ર અને માણસો હોય છે. ચોક્કસ સમયે દરેક લિફ્ટની ચકાસણીઓ કરવાની હોય છે. દરેક લિફ્ટને તાકીદની પરિસ્થિતિઓ માટે હરહંમેશ રેડ્ડી રાખવાની હોય છે. આ કામગીરીઓ માટે લિફ્ટ ફીટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. આ માટે સરકારમાં અને ખાનગી એજન્સીઓમાં ચોક્કસ તંત્ર હોય છે. તેની પાછળ નાણાંનું આંધણ પણ થતું હોય છે. આમ છતાં આ પ્રકારના બનાવો બનતાં રહે છે. તેમાંથી કોઈ બનાવ દુર્ઘટના પણ પૂરવાર થઈ શકે છે. આમ છતાં આ આખી વાતને આટલી હળવાશથી શા માટે લેવામાં આવી રહી છે ?! એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

તાજેતરમાં અંબર ટોકીઝ સામે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બે યુવાનો લિફ્ટમાં ફસાઈ ગયા અને છેક અડધો કલાક સુધી તેમણે તકલીફ વેઠવી પડી, પછી તેમનો છૂટકારો થયો. આ બનાવ બાદ તરત જ(!) પોલીસ હેડ કવાર્ટર પાછળ ગોલ્ડન સિટીમાં આવો બનાવ બન્યો ! એક આખો પરિવાર લિફ્ટમાં ફસાઈ ગયો.
ગોલ્ડન સિટી વિસ્તારમાં આવેલા આઠ માળીયા આવાસમાં કાલે મોડી રાત્રે 02-30 વાગ્યે એક પરિવારના 9 સભ્યો લિફ્ટમાં ફસાઈ ગયા. ( આમેય કોર્પોરેશનના આવાસોમાં કોઈ પણ બાબતમાં મેન્ટેનન્સના ઠેકાણાં હોતાં નથી). ફાયરશાખાની ટુકડીએ આ નવેય લોકોને લિફ્ટમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતાં. આવા વધુ બનાવો બને તે પહેલાં સંબંધિત તંત્ર આ દિશામાં ગંભીરતાપૂર્વક કામગીરીઓ કરે તે ઇચ્છનીય લેખાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં દિવસો અગાઉ રણજિતનગર વિસ્તારમાં પટેલસમાજમાં માલસામાન માટેની લગેજ લિફ્ટમાં એક સગીર છોકરાનું માથું ફસાઈ જતાં તેનું મોત નીપજેલું. આવા બનાવો બનતાં રહેતાં હોવા છતાં જવાબદાર તંત્રો આવી બાબતોમાં ગંભીર હોતા નથી, એવું વર્ષોથી જોવા મળે છે.
