Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની તેજી અને કમાણી લોકોનો હંમેશા રસનો વિષય રહ્યો છે. એમાં પણ જેતે વિસ્તારમાં જંત્રીના દરો કાયમ ચર્ચાઓમાં રહેતાં હોય છે કારણ કે તેના આધારે મિલકતોના દસ્તાવેજ થતાં હોય છે, અને એ મુજબ ‘ઉપલી’ લેતીદેતીઓ પણ થતી હોય છે. એક વખત જંત્રીના દરો બમણાં થઈ ચૂક્યા છે, હવે એમ કહેવાય છે કે, જંત્રીના દરોમાં ચોક્કસ પેટર્ન મુજબ અઢીથી ચારગણો વધારો આવી શકે છે અને, કેટલાંક વિસ્તારોમાં દરો ઘટી પણ શકે છે.
જામનગર સહિત બધાં જ શહેરોમાં કેટલાંક સેન્ટ્રલ વિસ્તારો એવા હોય છે જ્યાં વિકાસની હવે લગભગ કોઈ શકયતાઓ બચી હોતી નથી. આ બાંધકામ પૈકી મોટાભાગના બાંધકામ જૂના હોય છે. આવા વિસ્તારોમાં રસ્તાઓ પહોળા થવાની તથા શૈક્ષણિક અને આરોગ્ય તેમજ બગીચા જેવી કે ફરવાના સ્થળો વિકસવાની કે ગીચતા ઘટવાની શકયતાઓ પણ લગભગ હોતી નથી. શહેરોના આ પ્રકારના જૂના વિસ્તારોમાં જંત્રીના દરો ઘટી શકે છે.
શહેરોમાં ઘણાં વિસ્તારો એવા પણ હોય છે જ્યાં વિકાસની હવે કોઈ વધારાની તકો હોતી નથી, આવા વિસ્તારોમાં જંત્રીના દરો ઘટી શકે છે. આ બધી સ્થિતિ વચ્ચે ગાંધીનગરથી એવા અહેવાલ આવી રહ્યા છે કે, આગામી સમયમાં એટલે કે કદાચ ઓગસ્ટમાં જંત્રીના નવા દરો આવી શકે છે.
એમ માનવામાં આવે છે કે, જે વિસ્તારોમાં નવું રોકાણ આવવાની સંભાવનાઓ છે. જે વિસ્તારોમાં હાલ વિકાસની પુષ્કળ તકો છે, તેવા વિસ્તારોમાં જંત્રીના દરો હાલના દરોની સરખામણીએ અઢીથી ચારગણા વધી શકે છે. રાજ્યમાં કેટલાંક શહેરોમાં જંત્રીના દરોના સંભવિત વધારાનો બિલ્ડર્સ લોબી દ્વારા વિરોધ પણ વ્યક્ત થઈ રહ્યો છે. જો કે સરકાર આ મુદ્દે આગળ વધવા તૈયાર હોવાનું અને જંત્રીના દરોમાં કોઈ પણ સંજોગોમાં વધારો કરવાની માનસિકતા ધરાવે છે.
જંત્રીના દરોમાં મોટાં ફેરફાર આવી રહ્યા છે. સરકાર વિરોધને અવગણીને પણ આ ફેરફારો કરશે. જંત્રીના દરો વધારવાનો નિર્ણય લેતાં અગાઉ સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા આ માટે સર્વે પણ કરાવેલો છે. સર્વેની આ કામગીરીઓ સંબંધિત જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં થયેલી. સ્થાનિક તંત્રોએ બિલ્ડર્સ સહિતના પક્ષકારો સાથે અગાઉ બેઠકો પણ યોજી હતી.
ઘણાં બધાં ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી દરો ઘટશે. જે વિસ્તારોમાં નવું રોકાણ આવવાની સંભાવનાઓ નથી, વિકાસની તકો નથી, ત્યાં પણ દરો ઘટશે. જામનગર સહિતના શહેરોમાં પોશ વિસ્તારોમાં દાખલા તરીકે જામનગરના પાર્ક કોલોની સહિતના મોંઘા વિસ્તારોમાં જંત્રીના દરો વધી શકે છે. મહાનગરો આસપાસ વિસ્તાર વિકાસ ઓથોરિટી હેઠળના વિસ્તારોમાં પણ દરો વધી શકે છે. જો કે આ પ્રકારની ભલામણો અંગે અત્યારથી વિરોધ થઈ રહ્યો છે.
હાલમાં જો કે આ બધી બાબતો અનુમાનો અને ચોક્કસ ગણતરીઓ આધારિત છે. આગામી બેએક મહિનાઓ બાદ જંત્રીના દરોના સંભવિત ફેરફારો અંગે સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.