Mysamachar.in: ગુજરાત
ગુજરાત અને દેશ 5-G ની ઝડપે વિકાસ પામી રહ્યા છે, એવી મીઠડી વાતો અને ટેલિકોમ કંપનીઓની ભ્રામક જાહેરાતો વચ્ચે કડવી હકીકત એ છે કે, કરોડો મોબાઇલધારકો સેવાઓની કવોલિટીઝ મામલે લાંબા સમયથી પરેશાન છે. એક તરફ સરકાર આ સેવાઓ ટનાટન બને એવું ઈચ્છી રહી છે, બીજી તરફ કંપનીઓ સુધરવા ઈચ્છતી નથી. કંપનીઓને સરકારના નિયમોથી પેટમાં ચૂંક ઉપડી રહી છે. હકીકત એ છે કે, આ ક્ષેત્રમાં ગ્રાહક બિચારો છે. મોંઘીદાટ સેવાઓની ગુણવત્તા સંતોષકારક નથી એવી ફરિયાદો વ્યાપક છે.
એક તરફ ભારતમાં વિશ્વની સૌથી આધુનિક મોબાઇલ નેટવર્ક સેવા 5G લોન્ચ થઈ ગઈ છે, કરોડો વપરાશકારો છે. કંપનીઓ અબજો રૂપિયાની કમાણી કરી રહી છે, બીજી તરફ ગ્રાહક ભંગાર સેવા મુદ્દે હાલાકીઓ સહન કરી રહ્યો છે. મોટી મોટી વાતો વચ્ચે રોષ, નિરાશા અને નારાજગીઓ જોવા મળે છે.
ખાસ કરીને 5Gની વાતો વચ્ચે કરોડો વપરાશકારો ધીમા નેટની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. નુકસાન અને માનસિક ત્રાસ વેઠી રહ્યા છે. આ ઉપરાંત કોલ ડ્રોપની સમસ્યાઓથી પણ કરોડો ગ્રાહક પરેશાન છે. સરકાર વતી TRAI ઈચ્છે છે કે સેવાઓની ગુણવત્તા સુધરે. જો કે કંપનીઓને વધુ સરકારી નિયંત્રણો પસંદ નથી. મરો કરોડો ગ્રાહકોનો થઈ રહ્યો છે.
ટેલિકોમ કંપનીઓની સેવાઓમાં ધાંધિયાની સરકારને વ્યાપક ફરિયાદો મળી રહી છે. લોકો સરકાર અને ટ્રાઈ પર માછલાં ધૂએ છે. સરકાર ગ્રાહકોને કવોલિટી સર્વિસ મળે એ માટે પ્રયાસ કરે છે પરંતુ ટેલિકોમ કંપનીઓને વધુ અને નવા નિયમો ગમતાં નથી. કંપનીઓ દલીલ એવી કરે છે કે, હાલમાં ઉપલબ્ધ કરાવવામાં આવતાં કવોલિટીઝ માપદંડો પૂરતાં છે, નવા નિયમો દ્વારા માપદંડો બોજારૂપ બનાવવા જોઈએ નહીં. આવી દલીલ બધી જ ટેલિકોમ કંપનીઓ કરી રહી છે.
સરકાર ઈચ્છે છે, ટેલિકોમ સેકટરમાં સેવાઓની કવોલિટીઝ મામલે નવા નિયમો બને, તેનો કડક અમલ થાય. ગ્રાહકોને સંતોષ મળે. ટેલિકોમ મંત્રાલયના ટોચના અધિકારીઓ કહે છે: ઈન્ટરનેટ સેવાઓ ઝડપી બને અને એ સુવિધાઓનો લાભ ગ્રાહક સુધી પહોંચે તે માટે અમે નવા વિકલ્પો તલાશી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે, કોલ ડ્રોપ સમસ્યાઓ પણ હલ થાય.
ગ્રાહકોને નક્કી થયેલી સર્વિસ મળતી નથી, નિયમો મુજબની સેવાઓ મળતી નથી, સરકાર સમક્ષ આવી ફરિયાદો અને રજૂઆત ઢગલાબંધ છે. વધી રહી છે. તેથી સરકારે કવોલિટીઝ સુધારણા માટે કવાયત હાથ ધરી છે. દેશની ટેલિકોમ સેવાઓ પરિપકવ બનવી જરૂરી છે. ઈન્ટરનેટ સેવાઓની ડિમાંડ સતત વધી રહી છે. લોકોને ઝડપી ઈન્ટરનેટ જોઈએ છે. બીજી તરફ કંપનીઓની સેવાઓ લોકોની સતામણી કરી રહી છે. સતામણી વધી રહી છે. વ્યક્તિગત ગ્રાહકો અને ગ્રાહક સંગઠનો તરફથી વ્યાપક ફરિયાદો મળી રહી છે. કંપનીઓ નફાનું માર્જિન વધારવા ઉત્સુક છે, સેવાઓ હજુ પણ મોંઘીદાટ બનાવવા ચાહે છે. પોતે સુધરવા રાજી નથી. ગ્રાહક લૂંટાઈ રહ્યો છે. રોષ વધી રહ્યો છે.
TRAI ના નવા ચેરમેન અનિલકુમાર લાહોટી કહે છે: ગ્રાહકોને સારી ગુણવત્તાની સેવાઓ પ્રાપ્ત થાય તેની ખાતરી માટે નિયમો કડક બનાવવા આવશ્યક છે. અને સેવાઓના માપદંડો અસરકારક રીતે લાગુ થવા જોઈએ. બીજીબાજુ કંપનીઓ કહે છે: નિયમો અને તેના અમલનો અતિરેક થશે તો, તેવી સ્થિતિમાં પણ ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે નહીં, કંપનીઓ પ્રતિકૂળતા અનુભવશે.





