Mysamachar.in:અમદાવાદ:
જ્યાં સૌથી વધુ વીજચોરી થતી હોય છે એ ખેતીવાડી વીજજોડાણ અને ઉદ્યોગોના HT વીજજોડાણોને બાકાત રાખીને, હાલમાં સામાન્ય રહેણાંક મકાનોમાં તંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવી રહ્યા છે, જેનો વ્યાપક અને ઉગ્ર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને હવે આ આખી માથાકૂટ રાજ્યની વડી અદાલતમાં પહોંચી ચૂકી છે. હવે સમગ્ર વિષય લોકો સમક્ષ ખૂલશે. વડોદરાથી આ કાનૂની પડકાર આપવામાં આવ્યો છે.
લોકોની ફરિયાદ એવી છે કે સ્માર્ટ વીજમીટરને પરિણામે વીજવપરાશનું બિલ મોટું આવે છે અને વડી અદાલતમાં એમ પણ કહેવાયું છે કે, સ્માર્ટ વીજમીટર ફરજિયાત છે એવું સરકારના કોઈ પણ કાયદામાં જણાવાયું નથી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠેરઠેર સ્માર્ટ વીજમીટરનો વિરોધ આજે પણ ચાલુ છે. જ્યાં સ્માર્ટ વીજમીટર લગાવી દેવામાં આવ્યા છે ત્યાંથી પણ આ મીટરો કાઢી લેવાની માંગ ઉઠી છે. લોકોને સ્માર્ટ વીજમીટર જોઈતાં જ નથી છતાં તંત્ર ધરાર આ કામગીરીઓ કરી રહ્યું હોય, લોકોમાં નારાજગીઓ છે.
વડી અદાલતમાં એવી રજૂઆત થઈ છે કે, સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓમાં લાખો વીજ ગ્રાહકોનું હિત જોવાયું નથી. વડોદરાના બાજવા વિસ્તારના એક નાગરિકે આ આખા વિષયને કાયદાકીય રીતે પડકાર આપ્યો છે. અને, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રના ઉર્જા મંત્રાલયના સેક્રટરી તથા અન્ય સામે હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન પ્રકારની યાચિકા દાખલ કરી છે.
ભારત દેશના સંવિધાનની કલમ 14 અને આર્ટિકલ 226 તથા ઈલેક્ટ્રીસિટી એક્ટ-2003ની કલમ 47ની પેટા કલમ 5 અને ઈલેક્ટ્રીસિટી સપ્લાય એક્ટ વગેરે કાયદાઓની જોગવાઈઓ અન્વયે ડાયરેકશન તેમજ ડેકલેરેશન માટે સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન મારફતે વડી અદાલતમાં આ રજૂઆત થઈ છે.
આ અરજી વાસુદેવ કનૈયાલાલ ઠક્કરે કરી છે. તેમને 18મી મે ના દિવસે વીજ કંપની દ્વારા એક મેઈલ મોકલવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, હયાત વીજમીટરની જગ્યાએ પ્રિ પેઈડ સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવશે. આમ કરવા માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટ જાહેરનામાનો સંદર્ભ લેવામાં આવ્યો હતો.
ભારતની સંસદના બંને હાઉસમાં 07-02-2019 થી 07-02-2024 વચ્ચેના સમયગાળામાં પસાર કરાયેલા કુલ 240 બિલ તથા સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારા બિલમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન 2009ના તારીખ 23-12-2019 ના એમેન્ડમેન્ટ ઓફ મીટર રેગ્યુલેશન 2009ના એમેન્ડમેન્ટને પારલામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઈ આવતું નથી. તા.31 ડિસેમ્બર, 2020ના રોજ અમલમાં લાવવામાં આવેલાં રૂલ્સમાં પણ પ્રિ પેઈડ સ્માર્ટ વીજમીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલેશન કરવાનું દર્શાવવામાં આવ્યું નથી.