Mysamachar.in-જામનગર:
જામનગર લોહણા મહાજનમાં સતત ત્રેવીસ વર્ષ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળ્યા પછી પ્રમુખ જીતુભાઈ લાલ અને તેમની ટીમે નિવૃતિ સ્વિકારતાં જ્ઞાતિની મળેલી સામાન્ય સભામાં નવા હોદેદારો સાથે મહાસમિતીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.જામનગર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિની સામાન્ય સભા ગઈકાલે મોદી લોહાણા મહાજનવાડી ખાતે મળી હતી.
જેમાં પ્રમુખ જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરતાં વર્ષ 2002 થી જામનગર લોહાણા મહાજનનું સુકાન સંભાળ્યા પછી પંચેશ્વરટાવર ચોક સ્થિત વર્ષો જુની જર્જરીત લોહાણા મહાજનવાડીના સ્થગાને 60 હજાર ફુટના બાંધકામ સાથે નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કાર્ય કરવા માટે 14 રહેણાંક ભાડુતોની જગ્યા ખાલી કરાવવા, 9 દુકાનદાર ભાડુતોસાથે સમાધાનથી ઉકેલ લાવવા, મહાજનવાડી સાથે પરિસરના બન્ને મંદિરોનો જીર્ણોદ્ધાર કરવા માટે કેટલી સમસ્યા, મુશ્કેલી-અવરોધો અને અડચણો આવ્યા તેની વિસ્તૃત માહિતી આપી હતી. અને લોહાણા મહાજનના વર્ષ 2023/24 સુધીના હિસાબો રજુ કર્યા હતા. અને આર્થિક સધ્ધરતાની આંકડાકિય માહિતીઓ આપી હતી. જે હિસાબોને જ્ઞાતિજનોએ સર્વાનુમતે બહાલી આપી હતી.

આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં આવેલી લોહણા મહાજનની માલીકીની 21 હજાર ફુટ જમીન કાનુની ચુંગાલમાંથી મુક્ત કરાવી સંર્પૂણ માલીકી હકક મળી ગયેલ તેની વિગતો આપેલ હતી. લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સભામાં હિસાબો મંજુર કરવા ઉપરાંત પટેલ કોલોની સ્થિત લોહાણા મહાજનની જગ્યા વેંચાણ કરવા તેમજ શહેરમાં યોગ્ય સ્થળ પર નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કરવા નવનિયુક્ત હોદ્દેદારોની સાથે અશોકભાઈ લાલના નેજા હેઠળ અરિવંદભાઈ પાબારી અને ભીખુભાઈ મોરજરીયાની બનેલી કમિટીને સત્તા આપવા સર્વાનુમતે ઠરાવાયુ હતું.

આ સભામાં જ્ઞાતિ પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી અને ઓડીટર હરેશભાઈ રાયઠઠા સહિતની સમગ્ર ટીમે નિવૃતિ લેવાનું જાહેર કર્યું હતું. નાદુરસ્ત તબિયતના કારણે આ સભામાં ઉપસ્થિત નહીં રહી શકેલા સંસ્થાના ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીએ પણ સ્વૈચ્છિક નિવૃતી સ્વિાકરી હોવાનો સંદેશો પાઠવ્યો હતો. જેનો ઉપસ્થિતોએ સાભાર સ્વિકાર કર્યો હતો.
લોહાણા મહાજનની વિડલ સમિતીના સદસ્ય વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરીયાએ વર્ષ 2002 માં જીતુભાઈ લાલ સાથે તેમની ટીમને સુકાન સોંપાયા પછી આ ટીમે કરેલી ત્રેવીસ વર્ષ સુધીની કામગીરીને બીરદાવી હતી અને તેવી જ રીતે ભરતભાઈ સુખપરીયાએ આ વખતે પણ જામનગર લોહાણા મહાજનના નવા પ્રમુખ તરીકે ભરતભાઈ કે. મોદી (સાબુવાળા), ઉપપ્રમુખપદે ચેતનભાઈ માધવાણી, મંત્રી તરીકે વકીલ રાજેશભાઈ એમ. કોટેચા, સહમંત્રી તરીકે અનીલભાઈ ગોકાણી, ખજાનચી તરીકે મનોજભાઈ અમલાણી, સહખજાનચી તરીકે રાજુભાઈ મારફતીયા, સંગઠન મંત્રીઓ તરીકે અતુલભાઈ પોપટ(ઉત્તર-પટેલ કોલોની), રાજુભાઈ હિંડોચા (દક્ષિણ-સાધના કોલોની), મનીષભાઈ તન્ના (પૂર્વ – હાપા લાલવાડી), અને મધુભાઈ પાબારી (પશ્ચિમ- રણજીતનગર), તેમજ ઓડીટર તરીકે નિલેશભાઈ ઠકરાર સહિત 41 સભ્યોની મહાસમિતિની તેમજ 11 સદસ્યોની વડીલ સમિતીના નામની દરખાસ્ત મુકી હતી. અને જવાહરભાઈ કેશરીયાએ તેને ટેકો આપ્યો હતો. આ દરખાસ્ત સામે અન્ય કોઈ દરખાસ્ત નહી આવતાં તેને સર્વાનુમતે બહાલી સૌ જ્ઞાતિજનોએ આપી હતી.

લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સાધારણ સભાના પ્રારંભ દિવંગત જ્ઞાતિજનોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સભાનું સંચાલન વિડલ સમિતિના સદસ્ય જવાહરભાઈ કેશરીયાએ કર્યુ હતું. લોહાણા જ્ઞાતિની સામાન્ય સાધારણ સભા પૂર્ણ થતાં નવનિયુક્ત મહાસમિતીના સભ્યોની બેઠક મળી હતી. જેમાં ભરતભાઈ સુખપરીયાની દરખાસ્ત મુજબ પ્રમુખ સહિત 11હોદ્દેદારોની વરણીને સર્વાનુમતે બહાલી આપી હતી. આ પછી જીતુભાઈ લાલ અને તેમની ટીમે નવા વરાયેલા પ્રમુખ ભરતભાઈ મોદી અને તેમની ટીમને પુષ્પહાર કરી અભિનંદન પાઠવી હોદાનો હવાલો સુપ્રત કર્યો હતો.
