Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મુદ્દતો પૂર્ણ થઈ ગઈ હોવા છતાં છેલ્લા બબ્બે વર્ષથી પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓ કરવામાં આવી નથી અને આવી બધી જ સંસ્થાઓમાં અધિકારી રાજ ચાલી રહ્યું હોય સ્થાનિક સ્તરે લોકોમાં તથા રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને નારાજગીઓ જોવા મળી રહી છે.
એમ માનવામાં આવે છે કે, આગામી ચાર જૂને લોકસભા ચૂંટણીઓના પરિણામ શાસકપક્ષની તરફેણમાં જણાશે તો પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓ કરાવવા હવે ઉતાવળ થશે, અન્યથા આ ચૂંટણીઓમાં હજુ પણ વિલંબની શકયતાઓ વર્તુળો જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો લાંબો કાર્યકાળ આગામી સમયમાં પૂર્ણ થઈ રહ્યો છે.
ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ આગામી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઈ રહ્યો છે. આથી ચાર જૂને લોકસભા ચૂંટણીઓના જાહેર થનારા પરિણામો પ્રોત્સાહક જણાતાં જ, શાસકપક્ષ ગામડાંઓ પણ કબજે કરવા પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓની તૈયારીઓ પરિણામ બાદ તરત જ શરૂ કરાવી શકે છે. પરિણામો ધારણા કરતાં વિપરીત હોય તો, એવું પણ બને કે આ ચૂંટણીઓમાં હજુ પણ વિલંબ થાય અને છેક ચોમાસા બાદ ચૂંટણીઓ થાય. આધાર પરિણામો પર રહી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 75 નગરપાલિકા- 17 તાલુકા પંચાયત- 2 જિલ્લા પંચાયત અને 7,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ લાંબા સમયથી થઈ જ નથી. લોકોમાં રોષ તથા નારાજગીઓ છે. સરકારે જે તે સમયે, OBC અનામત રિપોર્ટ સંબંધે આ તમામ ચૂંટણીઓ સ્થગિત જાહેર કરેલી. આ રિપોર્ટ જો કે સરકારમાં જમા થયો એને પણ ઘણો લાંબો સમય વીતી ચૂક્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની આ તમામ સંસ્થાઓમાં અગાઉ OBC સમાજ માટે 10 બેઠકો અનામત હતી. કે.એસ.ઝવેરી પંચના આ રિપોર્ટ બાદ હવે આ અનામત 27 ટકા થશે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં OBC વસતિ 52 ટકા જેટલી છે. અને શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ 46.43 ટકા જેટલું છે. એટલે હવે આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં OBC બેઠકો 27 ટકા થશે, જનરલ બેઠકો એટલાં પ્રમાણમાં ઘટી જશે. બાકીની SC-ST અનામત બેઠકો યથાવત્ રહેશે.
સૂત્ર કહે છે, જો આ ચૂંટણીઓ વહેલી કરાવવાની થશે તો ચાર જૂને પરિણામ બાદના પ્રથમ બે મહિનામાં તંત્રોએ નવી મતદાર યાદીઓ તૈયાર કરવાની થશે. આ ઉપરાંત નવેસરથી અનામત વર્ગીકરણ માટેની કાર્યવાહીઓ પણ પૂર્ણ કરવાની થાય. ત્યારબાદ પંચાયત અને પાલિકાઓની ચૂંટણીઓ કરાવી શકાય.