Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં બાળક અથવા બાળકીના જન્મ પ્રમાણપત્રમાં નામમાં સામાન્ય સુધારણા કરવા માટે આધારકાર્ડના આધારે સુધારો કરી આપવામાં આવે છે પરંતુ આ માટે સોગંદનામું ફરજિયાત છે. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલાં એક પરિપત્રમાં જણાવાયું છે કે, બાળકના જન્મ વખતે જન્મના પ્રમાણપત્રમાં તેનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય, તેવા કિસ્સાઓમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે આ કામ માટે એફિડેવિટ એટલે સોગંદનામું આપવાની જરૂર નહીં રહે.
આ પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આધારકાર્ડ મુજબનું જન્મ પ્રમાણપત્ર આપતી વખતે તંત્ર કોઈ પણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં. ઘણાં કિસ્સાઓમાં જન્મ વખતે બાળકનું નામ અલગ હોય છે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર નામ અલગ હોય છે આથી આધારકાર્ડમાં નામ અલગ પડતું હોય છે. જો કે એ સ્પષ્ટતાઓ કરવામાં આવી છે કે, આ નામ સુધારણામાં દાખલા તરીકે રમેશભાઈનું રમેશચંદ્ર થઈ શકશે પરંતુ રમેશભાઈને બદલે કિશોરભાઈ એફિડેવિટ વગર થઈ શકશે નહીં. ટૂંકમાં, મૂળ નામ સંપૂર્ણ બદલી જતું હોય તેવા કિસ્સાઓમાં આ નવો ફેરફાર લાગુ પડશે નહીં. આ ફેરફાર માત્ર સામાન્ય સુધારાઓ માટે જ છે.