Mysamachar.in:ગાંધીનગર:
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. અને તેના પરિણામો પણ સામે આવી ચુક્યા છે તો બીજી તરફ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને દોષમૂક્ત કરી દેવામાં આવ્યા છે અને ગંભીર ગુનામાં ઝડપાયેલા વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો આજે જાહેર થઇ છે.
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી. સીસીટીવીમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સામે બોર્ડ દ્વારા હાથ ધરાયેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
આ અંગે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપાધ્યક્ષ ડી.એસ પટેલે જણાવ્યું કે ધોરણ 10માં બોર્ડની પરિક્ષામાં 538 વિધાર્થીઓ ગેરરીતી કરતા ઝડપાયા હતા. જેમાંથી 203 વિધાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમુક્ત કરાયા, જયારે 204 વિધાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવ્યા છે. સમગ્ર પરિણામ રદ કર્યું હોય તેવા 3 વિધાર્થીઓ છે. મોબાઈલ અને ડમી ઉમેદવાર બેસાડ્યા હોય તેવા 5 વિદ્યાર્થી છે, જે ગંભીર ગુનામાં આગામી બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. વધુમાં તેમણે જણાવ્યું કે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિધાર્થીઓ ગેરીરીતીમાં પકડાયા, જેમાં સીસીટીવીના આધારે 22 વિધાર્થીઓને દોષમુક્ત કરાયા, બોર્ડ દ્વારા પુરક પરિક્ષાને પાત્ર હોય તેવા 209 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 2 વિદ્યાર્થીઓ, જયારે ગંભીર ગુનામાં બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે તેવા 6 વિધાર્થીઓ છે.
બોર્ડની ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં 19 વિધાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, જે પૈકી 1 વિદ્યાર્થીને સીસીટીવીના આધારે દોષમુકત કરાયો છે, જયારે પૂરક પરિક્ષા પાત્ર 12 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 4 વિદ્યાર્થીઓ અને ગંભીર ગુનામાં પકડાયેલા 3 વિધાર્થીઓ છે.