Mysamachar.in-જામનગર:
જામનગર ખાણીપીણીનું શોખીન શહેર છે, રાત્રિના ત્રણ વાગ્યા હોય કે બપોરના બે વાગ્યા હોય, ગાંઠીયા-ભજિયા અને પૂરી શાક સહિતના ફરસાણના શોખીનો મોજથી આ બધી ચીજો આરોગતાં કે ઝાપટતાં હોય છે, પરંતુ આ પ્રકારના શોખીનો માટે દેશની સૌથી મોટી તબીબી સંશોધન સંસ્થાએ એક લાલબતી દેખાડી છે, જે જાણવી જરૂરી છે. કારણ કે, આ લાલબતી તમારાં આરોગ્ય અને જિંદગી સામે સવાલ ખડો કરી રહી છે.
આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓ એકનું એક બળેલું તેલ વારંવાર ઉપયોગમાં લેતાં હોય છે, આવું તેલ તમારાં આરોગ્ય માટે જોખમી અને ઝેર સાબિત થઈ શકે છે. આ પ્રકારના બળેલાં તેલની કવોલિટી ચકાસવાની ફરજ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની છે. અને જો આ તેલ નુકસાનકારક જણાય તો તેનો નાશ કરવાની સત્તા તથા તે ધંધાર્થીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહીઓ કરવાની સત્તા પણ ફૂડ શાખા પાસે છે. લોકોના આરોગ્યની આ રીતે સંભાળ લેવી જામનગર મહાનગરપાલિકાની ફરજ હોવા છતાં, આ દિશામાં અસરકારક કે દાખલારૂપ કાર્યવાહીઓ થતી નથી જેથી આ ખાદ્ય પદાર્થોના શોખીનોના આરોગ્ય અને જિંદગીઓ પર જોખમ છે.
દેશની સૌથી મોટી તબીબી સંશોધન સંસ્થા ICMR કહે છે: આ જોખમી અને ઝેર સમાન તેલ તમને હાર્ટએટેક અથવા કેન્સરની ભેટ આપી શકે છે, આ બળેલું તેલ તમારાં શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે, જે તમારાં હ્રદય પર જોખમ વધારે છે. તમારી હ્રદયની નળીઓ બ્લોક થઈ શકે છે, તમને એટેક આવી શકે છે, ઘણાં લોકોને એટેક આવતાં પણ હોય છે, ઘણાં લોકોને ચામડીના કેન્સર સહિતના રોગો પણ થતાં હોય છે.
ઘણાં કિસ્સાઓમાં ઘરોમાં પણ ફરસાણ તળેલું તેલ વારંવાર ફરસાણ તળવા ઉપયોગમાં લેવાતું હોય છે, તે પણ આ જ રીતે જોખમી છે. તમારી આ આદતો તમને બિમાર બનાવી શકે છે. ICMR ની માર્ગદર્શિકા કહે છે, આ બળેલાં તેલમાં ઝેરી સંયોજન બને છે જે કેન્સર અથવા હાર્ટએટેક નોતરી શકે છે. આ તેલ તમને છાતીમાં બળતરાં આપી શકે છે, તમારાં યકૃતને બિમાર બનાવી શકે છે.
આવા બળેલાં તેલને અમુક સમય બાદ ફરી ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટસ બની શકે છે, એક્રેલામાઈડ જેવા ઝેરી સંયોજન બની શકે છે, જે કેન્સરનું જોખમ પેદાં કરી શકે છે, ગાંઠિયા-ભજિયા કે પૂરી શાક ન ખાવા એમ કહેવાનો અર્થ નથી પરંતુ આ બધી ચીજો આરોગતાં અગાઉ આ બધું જાણી લેવું તમારાં અને તમારાં પરિવાર માટે જરૂરી છે.
(ફાઈલ ઈમેજ સોર્સ:ગુગલ)