Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોની ઘટ લાંબા સમયથી ચિંતાપ્રેરક છે. આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે આમ છતાં લાંબા સમયથી તેનો કાયમી હલ આવી શક્યો નથી, જેને પરિણામે લાખો લોકો વિવિધ પ્રકારની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. અને આ સ્થિતિને કારણે દર્દીઓની જિંદગીઓ પર કાં તો જોખમ ઉભું થઈ રહ્યું છે અથવા તો દર્દીઓએ નાછૂટકે ખાનગી અને મોંઘીદાટ તબીબી સારવાર મેળવવા દોડવું પડે છે. જે બધાં દર્દીઓ માટે શક્ય હોતું નથી.
આરોગ્ય વર્તુળોમાંથી વિગતો બહાર આવી છે કે, હાલારની તથા સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ડોક્ટરો ઉપલબ્ધ હોવાથી સામાન્ય સર્જરીઓ થઈ શકે છે પરંતુ સ્પેશિયલાઈઝડ તબીબ ન હોવાથી આ પ્રકારની સર્જરીઓ થઈ શકતી નથી. અચરજ અને આઘાતની વાત એ છે કે, અમદાવાદ સિવાય સ્પેશિયલાઈઝડ સર્જરીઓ માટે રાજ્યમાં અન્ય પાંચ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો પૂરતાં પ્રમાણમાં નથી.

એક તરફ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવામાં આવી રહી છે. પરંતુ બાળદર્દીઓની જ્યાં સુધી વાત છે, અમદાવાદ સિવિલને બાદ કરતાં સુરતમાં એક એસોસિએટ પ્રોફેસર, રાજકોટમાં એક પ્રોફેસર અને વડોદરામાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પરંતુ જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં ડોક્ટરોનો અભાવ છે.
કોઈ પણ સ્પેશિયલાઈઝડ સર્જરીઓ માટેના વિભાગમાં એક યુનિટમાં એક એસોસિએટ પ્રોફેસર, એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને એક પ્રોફેસરની ટીમ હોવી આવશ્યક હોય છે. નિયમ પણ છે. પરંતુ અમદાવાદ સિવિલને બાદ કરતાં રાજ્યમાં એક પણ સરકારી હોસ્પિટલમાં આ ટીમ ઉપલબ્ધ નથી. પૂરતાં સર્જન ન હોવાથી મોટાં શહેરોમાં પણ સર્જરીઓ માટે ત્રણ ત્રણ મહિનાના વેઈટિંગ ચાલી રહ્યા છે. જો કે હાલમાં સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત અને પ્રેક્ટિસીંગ ડોક્ટરને કોન્ટ્રાક્ટ પર રાખવાની પ્રક્રિયાઓ ચાલે છે પણ તેમાં પૂરતી સફળતા મળતી નથી. ઘણાં સ્થળોએ ફરિયાદો છે.

યુરોલોજી સંબંધિત સર્જરીઓ, હોર્મોન્સના ઈન્જેક્શન આપ્યા બાદની સર્જરીઓ, સારણગાંઠની સર્જરીઓ, વૃષણ કોથળીની સર્જરીઓ અને બાળકોમાં મળમાર્ગની જગ્યા ન હોય તેવા કેસમાં જન્મના બે મહિનામાં એક સર્જરી અને સર્જરી બાદ 6 અથવા 9 મહિને બીજા સ્ટેજની સર્જરી માટેના કેસમાં 3-4 મહિનાના વેઈટિંગ ચાલી રહ્યા છે.
સરકારી હોસ્પિટલોમાં સુરત,વડોદરા અને રાજકોટમાં એક એક ડોક્ટર છે. જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં સુપર સ્પેશિયલાઈઝડ સર્જરીઓ માટે ડોક્ટર જ નથી. અમદાવાદની સિવિલને બાદ કરતાં અન્ય શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં ન્યુરોલોજીના પણ કાયમી ડોક્ટર નથી. આ બધી જ હકીકતો ખૂબ જ સંવેદનશીલ વિષય છે. જેનો કાયમી હલ શોધવો અનિવાર્ય લેખી શકાય.
