Mysamachar.in:જામનગર:
રાજ્ય સરકારની અન્ય કેટલીક યોજનાઓ માફક ‘સુજલામ સુફલામ’ યોજનાનું નામ અને હેતુ પણ સુંદર છે. જો કે સૌનો સાદો અનુભવ એ રહ્યો છે કે, કોઈ પણ યોજનાના અમલીકરણના તબક્કે કેટલીક રમતો રમાઈ જતી હોય, યોજનાનો મૂળ આશય માર્યો જતો હોય છે, લાભો તથા ગેરલાભોની બંદરબાટ થતી હોય છે. સુજલામ સુફલામમાં પણ દર વર્ષની માફક આ વર્ષે પણ આ ચર્ચાઓ પૂરબહારમાં છે. જેની હકીકતો ખરેખર તો છતી થવી જોઈએ પરંતુ ભૂતકાળનો અનુભવ એવો રહ્યો છે કે, ચોમાસું શરૂ થતાં જ બધી હકીકતો વહેતાં પાણીમાં તણાઈ જતી હોય છે અને બધી નેકી દરિયામાં ઠલવાઈ જતી હોય છે.
આ વર્ષના આંકડાઓ કહે છે: રૂ. પોણાં ત્રણ કરોડથી વધુના કામો શહેર અને જિલ્લામાં ચાલી રહ્યા છે. સુજલામ સુફલામમાં નદી નાળા, ડેમ, પાણીના સંપ, ભૂગર્ભ ગટર, તળાવો વગેરેની સફાઈ કરવાની હોય છે અને સાથે સાથે નદી, ડેમ તથા તળાવ જેવા જળસ્ત્રોત શક્ય તેટલાં ઉંડા ઉતારી જળસંચય શક્તિ વધારવાની હોય છે. અત્યંત આધારભૂત સૂત્ર કહે છે, આ વર્ષે પણ આ કામોમાં રાજકીય મળતિયાઓને ‘સાચવી’ લેવામાં આવ્યા છે અને સુફલામના ફળોની અંદરોઅંદર વહેચણી કરી લેવામાં આવી છે. અને, કામોના રનિંગ બિલો બનાવવાની તથા ચૂકવણાં કરવાની કામગીરીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

કોઈ પણ જળસ્ત્રોત કેટલો ઉંડો ઉતારવામાં આવ્યો ? તેમાંથી નીકળતા કાંપ અને લગડી જેવી માટીનું શું થયું ? એમાંથી કેટલો માલ વેચી મારવામાં આવ્યો ? જળસંચય વધારવા થયેલું ખોદકામ અને તેના માપસાઈઝ શું છે ? માપ અને ભાવ મુજબ બિલો કેટલાં બનવા જોઈએ ? કેટલાં અને કેવી રીતે બન્યા ? તેમાં નીતિનિયમોનું પાલન થયું કે કેમ ? તેનું યોગ્ય મોનિટરીંગ થયું કે કેમ ? આ અને આ પ્રકારના બધાં જ પ્રશ્નો આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં તણાઈ જશે, એમ સૂત્ર કહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુજલામ સુફલામના કામો આમ તો માર્ચ મહિનામાં જ નક્કી થઈ જાય અને ગોઠવાઈ જાય. જિલ્લાકક્ષાએ અમલીકરણ સમિતિ આ કામોને મંજૂરીની મહોર લગાવી દે. પછી સિંચાઈ વિભાગ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા મહાનગરપાલિકા અને નગરપાલિકા તંત્રો કામો શરૂ કરે, કામો આગળ વધારે અને સામાન્ય રીતે પંદર જૂન પહેલાં, પ્રથમ વરસાદ આવે ત્યાં સુધીમાં કામો પૂર્ણ થઈ ગયાની જાહેરાત થઈ જાય. બધાં જ બિલો બની જાય. પેમેન્ટ થઈ જાય. અને પછી મેઘરાજાના આગમનની છડી પોકારાઈ જાય, ત્યારબાદ જળસ્ત્રોત ઓવરફલો ના વધામણાં અને સર્વત્ર આનંદ.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં આ તમામ કામગીરીઓ કોર્પોરેશન હસ્તક થાય. જેમાં ભૂગર્ભ ગટર, વોટર સંપ, નદી, કેનાલ તથા ડેમોની સફાઈ તથા જળસંચય માટે ડેમો વગેરે ઉંડા ઉતારવાની કામગીરીઓનો સમાવેશ થાય. તેમાં કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરીઓને પણ આવરી લેવામાં આવે અને આ વર્ષે કોર્પોરેશનનો આ કામ માટેનો ખર્ચ રૂ. 61.15 લાખ. આટલી વિગતો હાલ બહાર આવી છે.(તસ્વીર પ્રતિકાત્મક છે)
