Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં દર વર્ષે કમોસમી વરસાદની ઘટનાઓ બનતી રહે છે અને પછી સરકાર દ્વારા ખેતીને નુકસાન અંગેના સર્વે પણ થતાં રહે છે. વધુ એક વખત આ કવાયત શરૂ થઈ છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગેનો સર્વે શરૂ કરાવી દીધો છે.
રાજ્યના વિવિધ વિભાગોમાં કમોસમી વરસાદ થયો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ થયો છે, જેને પરિણામે તલ,જુવાર અને બાજરી સહિતના પાકોને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાનની ખબરો સમગ્ર રાજ્યમાંથી બહાર આવી રહી છે.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી ખેતીને નુકસાન સહિતની બાબતો અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. કૃષિમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ખેતીવાડી વિભાગ સહિતના સંલગ્ન વિભાગો દ્વારા ખેતીમાં નુકસાન અંગે સર્વેની કામગીરીઓ શરૂ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
એમ માનવામાં આવે છે કે, આગામી 17મે બાદ ખેતીને નુકસાન અંગેના સર્વે નો રિપોર્ટ આવી જશે. માવઠાંથી ખેતીને વ્યાપક નુકસાન થયાનો ખેડૂત વર્ગનો અંદાજ છે. હાલમાં પણ ખેડૂતોને સંભવિત વરસાદ અંગે સતર્ક રહેવા જણાવાયું છે. કેરીના પાકમાં પણ મોટી નુકસાનીનો અંદાજ છે, ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે.
જૂનાગઢ, અમરેલી તથા દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાન વધું થયું છે, જેની હાલ સર્વે કામગીરીઓ ચાલી રહી છે અને બાદમાં સહાય ચૂકવણીની કામગીરીઓ હાથ ધરવામાં આવશે.