Mysamachar.in-ગાંધીનગર:
ધોરણ 12નું પરિણામ તાજેતરમાં જાહેર થઈ ગયું છે. ઘણાં યુવાઓ નોકરી અને રોજગારની તલાશમાં છે. એમના માટે સારાં સમાચાર એ છે કે, આગામી સમયમાં લોકરક્ષક પરીક્ષાઓ આવી રહી છે, આ ઉપરાંત PSIની ભરતીમાં ગત્ વખતે જેઓ કોઈ કારણસર ફોર્મ ભરી શક્યા ન હતાં, તેઓ માટે પણ તક આવી છે, આ પરીક્ષાઓના ફોર્મ પણ આગામી સમયમાં ભરવામાં આવશે.
લોકરક્ષક દળ અને PSI ભરતીઓ માટે આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરીથી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોને કુલ 15 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે કોલેજના અંતિમ વર્ષમાં અને ધોરણ 12માં ઉતીર્ણ થયેલાં અરજદારો પણ અરજીઓ કરી શકશે. અગાઉ અરજી કરવામાં બાકી રહી ગયેલાં યુવાનોને પણ તક મળશે.
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટર પર આ માહિતીઓ આપી છે. તેઓએ જાહેર કર્યું છે: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈ બંનેની અરજીઓ ફરી માંગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર વગેરે કોઈ કારણસર અરજીઓ ન કરી શકનાર ઉમેદવારો આ વખતે ભરતીઓ માટે લાયક બની ગયા હશે તો તેમને તક મળી શકશે.