Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની વડી અદાલત દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગેના મામલામાં રાજ્ય સરકારને મોટી રાહત આપવામાં આવી છે. વડી અદાલતમાં 150 થી વધુ અરજીઓ દ્વારા આ કાયદાની બંધારણીયતા અને કાયદેસરતાને કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. વડી અદાલતે આ કાયદા વિરુદ્ધની બધી જ દલીલો ફગાવી દીધી છે અને આ કાયદો વાજબી અને કાયદેસર છે, એવું ઠરાવ્યું છે.
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. અદાલતમાં સાથે એ અરજ પણ થયેલી કે, આ કાયદાના અમલ વિરુદ્ધ સ્ટે આપવામાં આવે, અદાલતે આ માંગ પણ ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય એ છે કે, આ કાયદો ચાર વર્ષથી અમલમાં છે પરંતુ હજુ સુધી રાષ્ટ્રપતિ દ્વારા આ કાયદાને મંજૂરી આપવાની પ્રોસેસ કરવામાં આવી નથી.
વડી અદાલતે આ ચુકાદામાં નોંધ્યું છે કે, કેન્દ્ર સરકારના કોઈ કાયદા સાથે આ કાયદો અસંગત નથી. કાયદો વાજબી અને કાયદેસર છે. કઠોર અને અપ્રમાણસર સજા હોવાના મામલે આ કેસમાં કાયદાને પડકારી શકાય નહીં. અને, વિશાળ જનહિતમાં કાયદો ઘડવાનો વિધાનસભાને હક્ક છે, એમ પણ અદાલતે આ ચુકાદામાં જણાવી આ કાયદાને પડકારતી 150થી વધુ રિટ ફગાવી દીધી છે.