Mysamachar.in-જામનગર:
જામનગર સહિત ગુજરાતભરમાં સ્પાનો બિઝનેસ સુંવાળો, લપસણો, રેશમી અને મલાઈદાર હોવાનું સૌ જાણે છે. આ બિઝનેસમાં પણ અન્ય ધંધાઓ માફક ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોવાની ચર્ચાઓ વચ્ચે અચરજની વાત એ છે કે, ગુજરાતના સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં સ્પા ની ગતિવિધિઓ પર તંત્રોની નજર હોય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં તંત્રોની આ ધંધાર્થીઓ પર નજર તો હોય છે પણ મીઠી. આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
જામનગરની વાત કરીએ તો, શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર અને કેટલાંક વિસ્તારોમાં સલામત જગ્યાઓ પર સ્પા ધમધમે છે. આ બધાં જ સ્પા સરકારના બધાં જ નિયમોનું પાલન કરતાં હોય, અહીં એક પણ પ્રકારના કાયદાનો ભંગ ન થતો હોય એમ, બધું જ શાંતિપૂર્ણ રીતે ધમધમતું રહે છે, ક્યાંય કશો ઉહાપોહ નહી, ક્યાંય કશી તપાસ કે કેસ નહીં, જાણે કે બધું જ બરાબર ચાલતું હોય- એવી શાંતિ.
સૌ જાણે છે કે, મોટાભાગના સ્પા ટ્રીટમેન્ટ સેન્ટરમાં પરપ્રાંતિય અને આકર્ષક યુવતિઓ ‘માલિશ’ કરી આપતી હોય છે, ગોરી ગોરી વિદેશી યુવતિઓ પણ જામનગરમાં આ વ્યવસાયમાં ઘણી છે. બીજી તરફ, તંત્રો પરપ્રાંતિય શ્રમિકો મુદ્દે દોડધામ કરવાનો અભિનય કરતાં હોય છે પરંતુ સ્પા સાથે સંબંધિત આ મુદ્દે તંત્રો મૌન રહેવાનું પસંદ કરતાં હોય છે.
અન્ય શહેરોમાં અવારનવાર એવા કેસ બનતાં રહે છે કે, ફલાણા વિસ્તારમાં સ્પા ની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા હતાં, તે ઝડપાઈ જતાં ચકચાર. જામનગરમાં આ વ્યવસાયમાં કોઈ જ ગોરખધંધા ચાલતાં ન હોય, એ પ્રકારની શાંતિ જોવા મળી રહી હોય, ઘણાં લોકો આ શાંતિને અચરજથી જોઈ રહ્યા છે.
સ્પા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ વિરુદ્ધ ક્યારેક નામ પૂરતાં બાળમજૂરી કે ઈમમોરલ એક્ટિવિટી જેવા કેસ નોંધાતા હોવાનું જાહેર થયા બાદ આવા કેસોમાં પણ ખાસ કોઈ કાર્યવાહીઓ થતી હોવાનું બહાર આવતું નથી અને આવા એકલદોકલ કેસ પછી લાંબા સમય સુધી આ વ્યવસાય તરફ કોઈ નજર કરતું હોય એવું જોવા મળી રહ્યું છે. અને, બીજી તરફ સ્પા ની પ્રવૃતિઓનો વ્યાપ સમાજના ચોક્કસ વર્ગોમાં મોટાપાયે વિસ્તરી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું હોય, સંબંધિત તંત્રોએ આ વ્યવસાય પર પણ નજર રાખવી જોઈએ એવો પણ એક મત જોવા મળે છે.
(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)