Mysamachar.in:જામનગર:
ચૂંટણીઓ કોઈ પણ હોય, મતદારો જે મતદાન કરતાં હોય છે તેના આંકડાઓ હંમેશા ચર્ચાઓમાં રહે છે કારણ કે આંકડાઓ રસપ્રદ હોય શકે છે. દાખલા તરીકે, ગત્ લોકસભાની ચૂંટણીઓ 2019માં સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર માત્ર 55.75 ટકા હતું. અને, સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પૈકી સૌથી વધુ મતદાન રાજકોટ બેઠક પર 63.14 ટકા રહ્યું હતું. તેનો સીધો અર્થ એવો થાય કે, 40-45 ટકા મતદારો એવા હોય છે, જેઓને મતદાન પ્રત્યે ખાસ કોઈ દિલચસ્પી હોતી નથી. બીજી તરફ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સ્થાનિક ચૂંટણીતંત્રો 100 ટકા મતદાન માટે બધાં જ શક્ય પ્રયાસો કરતાં હોય છે આમ છતાં ભારે મતદાન થતું ન હોય, સંશોધન કરવાની જરૂરિયાત છે કે, લોકોને ચૂંટણીઓ પ્રત્યે રસ ઓછો શા માટે છે ? તેઓ નફરત ધરાવે છે કે આળસ કરે છે ?!
દાખલા તરીકે, 27 ચૂંટણીઓ પૈકી 16 ચૂંટણીઓમાં 40 ટકાથી પણ ઓછું મતદાન થયું હોય એવા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટ સહિતના ઘણાં વિસ્તારોનો સમાવેશ થાય છે. અને, તેની સામે 27 ચૂંટણીઓ પૈકી 11 ચૂંટણીઓમાં 60 ટકાથી વધુ મતદાન થયું હોય એવા વિસ્તારોમાં પણ જામનગર, રાજકોટ સહિતના ઘણાં વિસ્તારો છે. જો કે ઓછાં મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છના વધુ વિસ્તારો છે.
ગત્ વિધાનસભા (2022)ની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં સરેરાશ 61.73 ટકા મતદાન થયું હતું. અને, ગત્ લોકસભા ચૂંટણીઓ (2019) માં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન માત્ર 58.94 ટકા જ રહ્યું હતું. દિલ્હી કરતાં ગાંધીનગરમાં લોકોને વધુ રસ છે. આ વખતે, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં શું થશે ? લોકો ગરમીમાં ઘરમાં પૂરાઈ રહેશે ?કે, ગરમી છતાં મતદાન માટે નીકળશે ?
જામનગર લોકસભા બેઠકના પાછલી 9 ચૂંટણીઓના આંકડાઓ કહે છે: ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા 2014 અને 2019માં રહી હતી. આ આંકડો 25 અને 28 હતો. આ વખતે 14 ઉમેદવારો મેદાનમાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસના આઠેઆઠ ઉમેદવાર ફ્રેશ છે. નવા ચહેરા છે. ભાજપાના આઠ પૈકી જામનગર સહિત ત્રણ ઉમેદવારોને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે. પાંચ ચહેરા ફ્રેશ છે. આ વખતની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મુખ્ય બે પક્ષના કુલ સોળ ઉમેદવાર પૈકી છ ઉમેદવાર મહિલાઓ છે. ભાવનગર અને કચ્છમાં મહિલાઓ સામે મહિલાઓ છે.
છેલ્લા દસ વર્ષથી એટલે કે આ ત્રીજી લોકસભા ચૂંટણી એવી છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો જામનગર બેઠક પર હોય છે. 2014 અને 2019માં પણ સૌથી વધુ અપક્ષ ઉમેદવાર જામનગરમાં હતાં. જાણકારોના મતે, આ ગણિત-આ પેટર્ન અને આ રહસ્ય રસપ્રદ હોય છે. અપક્ષ ઉમેદવારોને ડીપોઝીટ ગુમાવવામાં અને હારવામાં શું મજા આવતી હશે.? એવો પ્રશ્ન ઘણાં ચબરાક મતદારો ઘણી વખત એકમેકને પૂછતાં હોય છે.
સૌરાષ્ટ્ર કચ્છની જામનગર સહિતની આઠ બેઠકો પર ગત્ લોકસભા ચૂંટણીઓમાં સરેરાશ મતદાન માત્ર 58.94 ટકા રહેલું. સૌથી ઓછું મતદાન અમરેલી અને પોરબંદરમાં હતું. અને, સૌથી વધુ મતદાન રાજકોટ તથા જૂનાગઢમાં થયેલું. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 62.59 ટકા પુરૂષોએ અને સરેરાશ 54.98 ટકા મહિલાઓએ મતદાન કરેલું. પુરુષોમાં સૌથી વધુ મતદાનમાં રાજકોટ પછી જામનગર બીજા ક્રમે રહેલું. અને મહિલાઓમાં સૌથી વધુ મતદાન પણ રાજકોટ પછી જામનગરમાં બીજા ક્રમે થયેલું. આવતીકાલે શું થશે ? રાહ જોઈએ.