Mysamachar.in-અમદાવાદ:
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી CGST એક્ટ 2017ની વિવિધ કલમો હેઠળ આપવામાં આવેલી નોટિસો અને કરવામાં આવેલી ધરપકડોનો ડેટા માંગ્યો છે. અદાલતે આ આદેશ આપતી વેળાએ જણાવ્યું કે, નાગરિકોને સ્વતંત્રતાથી વંચિત રાખીને તેમની હેરાનગતિઓ ન થાય તે માટે કોર્ટ કાયદાનું અર્થઘટન કરી શકે છે અને જરૂરી માર્ગદર્શિકાઓ નિર્દિષ્ટ કરી શકે છે.
GST એક્ટ, કસ્ટમ્સ એક્ટ અને PMLA એક્ટની વિવિધ કલમોને પડકારતી 281 અરજીઓની સુનાવણીઓ કરી રહેલી સુપ્રિમ કોર્ટની ખંડપીઠે ધરપકડની સતા અંગેની GST એક્ટની કલમ 69ની અસ્પષ્ટતાઓ બાબતે ચિંતાઓ વ્યક્ત કરી હતી.
ખંડપીઠે જણાવ્યું કે, નાગરિકોની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવવા માટે જરૂર જણાશે તો અદાલત કાયદાનું અર્થઘટન કરશે પરંતુ નાગરિકોને હેરાન થવા દેશે નહીં. ખંડપીઠે કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત રહેલાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.રાજુને કહ્યું કે, તમે રૂ. એક કરોડથી રૂ. પાંચ કરોડના કથિત ડિફોલ્ટ બદલ GST એક્ટ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં અપાયેલી નોટિસો અને ધરપકડનો ડેટા આપ્યો છે. લોકોની હેરાનગતિઓ થઈ રહી છે. અને અમે તે ચલાવી લઈશું નહીં. જો અમને કાયદાકીય જોગવાઈમાં અસ્પષ્ટતા જણાશે તો અમે તેને ઠીક કરીશું અને બધાં જ કેસોમાં લોકોને જેલમાં ન ધકેલી શકાય.
અરજદારોના વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા સતાના કથિત દુરુપયોગ થકી લોકોની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્યારેક એવું બને છે કે, ધરપકડ કરવામાં આવતી નથી પરંતુ ધરપકડની ધમકી આપતી નોટિસ જારી કરીને કરદાતાઓને હેરાન કરવામાં આવે છે. ધરપકડ પૂર્વે જેતે કરદાતાના પક્ષે બાકી અને ચૂકવવાપાત્ર રકમ અંગે નિર્ણય કરવામાં આવતો હોય છે. સવાલ એ ઉદભવે છે કે, એસેસમેન્ટ થયા બાદ રકમ નક્કી કરવામાં આવે તે પહેલાં આ કલમ મુજબ કોઈની સ્વતંત્રતા પર કાપ મૂકી શકાય.? અદાલતે વધુમાં કહ્યું: PMLA હેઠળ ધરપકડ માટે કારણ લેખિતમાં આપવું ફરજિયાત બનાવાયું છે. GST માં પણ આમ વિચારી શકાય.