Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ઘણી બધી શહેર સહકારી બેન્ક છે જે પૈકી જામનગર પીપલ્સ સહકારી બેન્ક કયારેય પ્રતિષ્ઠિત કે શ્રીમંત બેન્ક બની શકી નથી, અને આ બેન્કનું સંચાલન પણ યોગ્ય પ્રકારનું ન રહેવાને કારણે બેન્ક મરવાના વાંકે જિવતી હોય એવી હાલત વર્ષોથી જોવા મળે છે તેમ જાણકારોનું માનવું છે, આ બેન્ક વેપારી સહિતના વર્ગોમાં JP બેન્ક તરીકે ઓળખાય છે. જામનગરના સહકાર ક્ષેત્રમાં આ બેન્ક સૌથી ગરીબ અને લઘુતમ પ્રતિષ્ઠા ધરાવતી બેન્ક તરીકે ઉલ્લેખ થતો હોય એવી આ બેન્કની છાપ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં આ JP બેન્કને રિઝર્વ બેન્ક દ્વારા જુદાં જુદાં કારણોસર એક કરતાં વધુ વખત દંડિત પણ કરવામાં આવી છે. આ બેન્ક કસૂરવાર બેન્ક તરીકે અવારનવાર ચર્ચાઓમાં ચમકતી રહે છે. આ બેન્ક લાગતાં વળગતાંઓની ‘સહિયારી પેઢી’ હોય એમ દાયકાઓથી આ બેન્કમાં ડાયરેક્ટરોની ચૂંટણીઓ થઈ નથી. સૌ સંબંધિતો ‘ગોઠવણ’ કરી લ્યે છે, પદો અંકે કરી લ્યે છે અને જવાબદાર સ્થાનો પર ગોઠવાઈ જતાં હોય છે. ગોઠવાઈ જનારા આ મહાનુભાવો બેન્કના સંચાલનને મજબૂત બનાવી શક્યા નથી. બેન્કનો નફો કયારેય ખાસ આંકડાઓમાં પહોંચતો નથી, લાખોના આંકડામાં નફો સમેટાઈ જતો હોય છે, કેમ કે બેન્કનું સંચાલન પ્રોફેશનલ રીતે નહિં પરંતુ પારિવારીક પેઢીની જેમ આડેધડ થાય છે, એવું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. બેન્કમાં નાણાંકીય શિસ્તનો અભાવ હોય, બેન્કની પ્રગતિ પણ થઈ શકતી નથી, ગ્રાહકો અને સભાસદો બેન્ક પ્રત્યે ઉમળકો કે માન ધરાવતાં નથી કેમ કે આ JP બેન્ક પરચૂરણ નફાને કારણે સભાસદોને ન ડિવિડન્ડ ચૂકવી શકે છે, ન ગિફ્ટ. અને, સભાસદોને બિમારીના કિસ્સાઓમાં તબીબી સહાય પણ સાવ પરચૂરણ આપતી હોવાનું જાણવા મળેલ છે.
હાલમાં આ JP બેન્કમાં રિઝર્વ બેન્કના દબાણને કારણે એટલે કે નવા નિયમને કારણે ચૂંટણી આવી પડી છે. અત્યાર સુધી આ બેન્કમાં સંગીત ખુરશીની રમત ચાલતી હતી અને સૌ ખુશ રહેતાં હતાં. આ વખતે ડાયરેક્ટરની બેઠક આઠ છે અને ઉમેદવાર નવ છે એટલે ચૂંટણી ફરજિયાત બની ગઈ છે.
આ બેન્કની નાણાંકીય હાલત એટલી પતલી રહે છે કે, સભાસદોના સંતાનોને વર્ષમાં એક વખત સરસ્વતી સન્માન તરીકે ઈનામો પણ આપી શકતી નથી, આવા કારણોસર સભાસદો અને સ્ટાફ સૌ મેનેજમેન્ટ પ્રત્યે અસંતોષ ધરાવતા રહે છે. બેન્કના સંચાલકોને CSR શું છે, સામાજિક જવાબદારીઓ શું છે, એ જાણે કે ખ્યાલ જ ન હોય એવી સ્થિતિ હોવાનું સૂત્ર જણાવે છે. સરકારી યોજનાઓની લોન લોકોને આપવાની હોય જ છે, આવા ધિરાણને બેન્ક CSR માં ખપાવી દે છે. આ ધિરાણ ફરજિયાત હોય છે. અને, તે સેવા નથી, તેમાં વ્યાજ આવક થતી હોય છે. બેન્કનું કામ જ ધિરાણ આપવાનું હોય છે.
શહેરની ગ્રેન માર્કેેટ જેવા વેપારી પીઠામાં હોવા છતાં આ JP બેન્ક વેપારીઓમાં લોકપ્રિય બની શકતી નથી. કેટલાંક વર્ષોથી બેન્કના કર્મચારીઓમાં પણ અસંતોષ હોવાનું જાણવા મળે છે કેમ કે, બેન્ક પોતાના કર્મચારીઓના ગ્રેચ્યુઇટીના નાણાં પણ અલગથી જમા કરાવી શકતી ન હોવાનું કહેવાય છે. જેને કારણે બેન્ક પર મોટી નાણાંકીય જવાબદારી આવી પડી હતી તેથી બેન્કે આ માટે તાજેતરમાં સાત આંકડાની એક રકમ અલગ રાખવી પડી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે. આ પ્રકારની સ્થિતિમાં, દાયકાઓ બાદ યોજાઈ રહેલી બેન્કની હાલની ચૂંટણી રસપ્રદ બની રહેનાર હોવાનું બેન્કના આંતરિક વર્તુળો જણાવી રહ્યા છે.