Mysamachar.in: ગુજરાત
દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓના ત્રીજા તબક્કામાં આગામી 7 મે એ ગુજરાત સહિત વિવિધ રાજયોની ઘણી બધી લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે પરંતુ ચૂંટણી પ્રચાર જંગ ગુજરાતમાં તેજ બન્યો છે. એક તરફ ભાજપા ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પાંચ પાંચ લાખની લીડ સાથે હેટ્રીક કરવા ચાહે છે, બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ભાગ મેળવવા ચાહે છે. આથી રસાકસી જામી રહી છે.
શાસકપક્ષ પાસે મજબૂત સંગઠન અને અઢળક સંસાધનો છે. વિપક્ષ શાસનવિરોધી માનસિકતા અને હાલના આંદોલનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ મેળવવા મહેનત કરે છે. પરંતુ મતદારો શાણાં અને અકળ છે. કોઈની પણ તરફેણમાં, આ વખતે હજુ સુધી લહેર ઉઠવા દીધી નથી. તેથી બધાં જ નેતાઓ ઉચાટ અનુભવે છે અને હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરે છે. કાળઝાળ તડકામાં પરસેવો પાડે છે. વચનોની લ્હાણી કરી રહ્યા છે. એકમેકને મતદારોની નજરમાં નીચા દેખાડવા કસરતો કરે છે. આ કસરતોનું સ્તર પણ નીચું ઉતરી રહ્યું છે- એવું મતદારો અહેસાસી રહ્યા છે.
શાસકપક્ષના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન બે દિવસથી ગુજરાતમાં છે. અમિત શાહ પણ સામો છેડો સાચવી રહ્યા છે. પ્રિયંકા ગાંધી આવતીકાલે ગુજરાતમાં બીજી વખત આવી રહ્યા છે. જેલવાસી કેજરીવાલના પત્ની સુનિતા આજે ડેડિયાપાડા અને બોટાદમાં છે. કોંગ્રેસ પ્રમુખ ખડગે અને પૂર્વ મુખ્યપ્રધાન ગેહલોત પણ ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન આજે જૂનાગઢ અને જામનગર સહિતના પંથકોમાં સટાસટી બોલાવશે. માહોલ જામ્યો છે. જંગ સાતમીએ અને પરિણામ આગામી ચાર જૂને જાહેર થશે.