Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં, રૂપાલા મામલે, ક્ષત્રિયો આંદોલનના પાર્ટ-2 માં ભાજપા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધી પોલીસ (સરકાર, એમ વાંચો) માત્ર અટકાયત કરતી હતી, હવે પ્રથમ વખત પોલીસે જામનગરમાં 100 ક્ષત્રિય પુરૂષ અને મહિલાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આથી હવે એમ સમજાઈ રહ્યું છે કે, આગામી સમયમાં આ આંદોલન દબાવી દેવા વધુ કડક કાર્યવાહીઓ થઈ શકે છે, કેમ કે મતદાન ના દિવસનો મહિનો શરૂ થઈ રહ્યો છે.
જામનગર શહેરમાં વોર્ડ નંબર 6 માં શનિવારે મોડી સાંજે ભાજપાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ સમયે ક્ષત્રિય પુરૂષો અને મહિલાઓ દ્વારા, આંદોલનના ભાગરૂપે રૂટિન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, તોડફોડ પણ થયેલી. પોલીસે રાયોટીંગ, તોડફોડ કરવી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગેની કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો. આ મામલામાં FIR નોંધાઈ ચૂકી હોવા છતાં, આ મામલાને સંવેદનશીલ લેખાવી, પોલીસે આ ગુનાની વિગતો ડેઈલી પોલીસ રિપોર્ટમાં પત્રકારોને આપી નથી.
પોલીસે આરોપીઓ તરીકે જયપાલસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપુડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રજ્ઞાબા વનરાજસિંહ જાડેજા તથા અન્ય 100 જેટલાં મહિલાઓ અને પુરુષોના ટોળાં વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજની ચકાસણીઓ કરી છે. જે લોકો ટોળામાં દેખાઈ રહ્યા છે, તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવના સ્થળે પક્ષની ઝંડીઓ અને કમળ રોડ પર પડેલાં જોવા મળી રહ્યા હતાં.