Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની દ્રષ્ટિએ સતત ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ડીવીઝન દ્વારા નૂર પરિવહનમાંથી સૌથી વધુ આવક મેળવીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે અને સર્વાંગી વિકાસની દિશામાં ઝંડો લહેરાવ્યો છે.
રાજકોટ ડિવિઝને વર્ષ 2023-24 દરમિયાન દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને 2276.44 કરોડ રૂપિયાની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી છે, જે નાણાકીય વર્ષ 2022-23ની 2045.60 કરોડની વાર્ષિક આવક કરતાં 11.28% એટ્લે કે 230 કરોડ રૂ વધુ છે. આ 2276.44 કરોડની આ આવકમાંથી મહત્તમ રૂ. 1871.12 કરોડની આવક નૂર ભાડા થી, રૂ. 374.12 કરોડ પેસેંજર આવક થી અને રૂ. 31.20 કરોડની આવક પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થઈ છે.
રાજકોટ ડિવિઝને 2023-24માં નૂર પરિવહનમાંથી રૂ. 1871.12 કરોડની આવક હાંસલ કરી છે જે ગયા વર્ષે ની રૂ. 1690.30 કરોડની સરખામણીએ 10.70% એટલે કે રૂ. 180.82 કરોડ વધુ છે. પેસેંજર આવક માં થી 2023-24માં રૂ. 374.12 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ ની રૂ. 321.99 કરોડની સરખામણીએ 16.20% એટલે કે રૂ. 52.13 કરોડ વધુ છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી 1.05 કરોડ લોકોએ મુસાફરી કરી છે. રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મહેનત અને નિષ્ઠા થી કામ કરીને ડિવિઝનને દરેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને નોંધપાત્ર આવક મેળવીને ભારતીય રેલવેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.