Mysamachar.in-જામનગર:
દેશભરમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી હોય, વડાપ્રધાન સહિતના રાષ્ટ્રીય નેતાઓ હાલ દેશના અન્ય ભાગોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આવતીકાલે 26 એપ્રિલના દિવસે દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 89 બેઠકો પર મતદાન છે. ત્યારબાદ ચૂંટણીઓના ત્રીજા તબક્કામાં ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં સાતમી મે ના દિવસે મતદાન હોય, વડાપ્રધાન સહિતના નેતાઓ આ વિસ્તારોમાં પ્રચાર માટે ઘૂમી વળશે
દિલ્હીથી વહેતો થયેલો અહેવાલ જણાવે છે કે, વડાપ્રધાન આગામી એક અને બે મે દરમિયાન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. તેઓ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 16 લોકસભા મતવિસ્તારને આવરી લેતાં જુદાં જુદાં 6 સ્થળો પર ચૂંટણીસભાઓ સંબોધશે, જે પૈકીની છેલ્લી જનસભા જામનગરમાં બીજી મે ના સાંજે પાંચ વાગ્યે આયોજિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતનું ચૂંટણી વાતાવરણ આ વખતે ડહોળાયેલું દેખાઈ રહ્યું છે, પરંતુ જનસભાના માધ્યમથી વાતાવરણ પક્ષની અને પોતાની તરફેણમાં પલટી નાંખવાની વડાપ્રધાનની કળા જાણીતી હોય, મતદાનના માત્ર પાંચ છ દિવસ અગાઉની તેઓની આ ગુજરાત મુલાકાત માટે પ્રદેશ બીજેપી અને પક્ષના સ્થાનિક એકમો ખૂબ ઉત્સાહ અનુભવી રહ્યા છે.વડાપ્રધાન પહેલી મે ના દિવસે ડીસા અને હિંમતનગરમાં સભાઓ સંબોધશે. જ્યારે બીજી મે ના દિવસે તેઓ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાઓ સંબોધશે જામનગરમાં સભાનું આયોજન પ્રદર્શન મેદાન ખાતે કરવામાં આવશે તેમ જાણવા મળે છે, જો કે આ તમામ કાર્યક્રમોની સતાવાર જાહેરાત હવે બાદ કરવામાં આવશે.