Mysamachar.in-અમદાવાદ:
રાજ્યની વડી અદાલત અવારનવાર સરકારના કેટલાંક વિભાગોના ઉચ્ચ અધિકારીઓને રીતસર ખખડાવી નાંખે છે. કારણ કે, આ પ્રકારના અધિકારીઓની બેદરકારીઓ અને ઉદાસીનતા ગંભીર હોય છે. આવું વધુ એક વખત બનવા પામ્યું છે. આ વખતે વન વિભાગ અને રેલ્વે વિભાગનો વારો ચડી ગયો છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહોના મોતની તપાસ મુદ્દે આ વિભાગોને આકરો ઠપકો સાંભળવો પડ્યો છે.
ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહોના મોત અકાળે થવાના બનાવો સતત બનતાં રહે છે. આ મામલે વડી અદાલત સુઓમોટો રિટ પિટિશન ચલાવી રહી છે. અને રાજ્ય સરકારના વનવિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીની ખંડપીઠે આ કેસમાં માર્મિક ટકોર કરી છે. ત્રણ ત્રણ સિંહોના આ રીતે મોત થઈ ગયા ત્યાં સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહીઓ કરી ન હતી. એ દર્શાવે છે કે, તંત્રો આ સમયે ગાઢ નિંદરમાં હતાં. એટલું જ નહીં, સિંહોના મોત અટકાવવા મુદ્દે તંત્રો દ્વારા વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે આ મામલે ખાતાંકીય તપાસ નહીં પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસનો નિર્દેેશ આપી રેલ્વે અને વનવિભાગના સચિવોને નિર્દેશ આપ્યા છે. હવે પછીની સુનાવણી 26 જૂને મુકરર કરવામાં આવી છે. વડી અદાલતે સ્પષ્ટ કહ્યું કે, અમે સરકાર પર સીધેસીધો દોષ મૂકી રહ્યા છીએ કે, તમારે જે તપાસ કરવી જોઈએ એ તમે કરી નથી. જે ઘટના બની એવી ઘટનાઓ ફરીથી ન બને એ માટે સંબંધિતોએ કઈ બાબતો સુનિશ્ચિત કરી છે ? એમ પણ અદાલતે પૂછયું છે.
અદાલતે એવી પણ ગંભીર ટકોર કરી કે, આજ સુધી કોઈ ઓથોરિટીએ સિંહોના અકાળે મોત અટકાવવા પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો જ નથી. અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસી નિર્ણયો કરી શકે નહીં. એક નિશ્ચિત વિસ્તારમાં જ છેલ્લા કેટલાંક વર્ષોથી સિંહોના અકસ્માત મોત થઈ રહ્યા છે. આમ છતાં કોઈ અસરકારક કામગીરીઓ કરવામાં આવી નથી. રેલ્વેના ડિવિઝનલ મેનેજર અને વનવિભાગના CCOને તો ખબર જ નથી કે તેમના વિસ્તારમાં કાંઈ થયું છે. પરંતુ અદાલતે કાર્યવાહીઓ કરી ત્યાં સુધી આ અધિકારીઓને ખબર જ ન હતી કે, તેમના વિસ્તારમાં દુર્ઘટના ઘટી છે.