Mysamachar.in:અમદાવાદ:
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં જ્યારથી GST કરવ્યવસ્થા અમલમાં આવી છે ત્યારથી, કરચોરી બહુ મોટો મુદ્દો બની ગયો છે. દેશભરમાં અબજો રૂપિયાની વેરાચોરીઓ ઝડપાઈ રહી છે, બીજી તરફ વેરાચોરી કરનારાઓ તંત્રના ખોફ વિના અથવા સાંઠગાંઠની મદદથી અબજો રૂપિયાની વેરાચોરી કરી જ રહ્યા છે. GST નો એન્ફોર્સમેન્ટ વિભાગ અસરકારક કામગીરીઓ કરવામાં સારો દેખાવ ધરાવતો નથી એવું પ્રતીત થતાં હવે સરકારે વેરાચોરી ઝડપી લેવા અને ચોરી કરતાં કરદાતાઓ પર ધાક ઉભી કરવા આ ક્ષેત્રમાં EDની એન્ટ્રી કરાવી દીધી છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન બહાર પાડી GST ચોરીના મામલાઓમાં PMLA એક્ટ અંતર્ગત, મની લોન્ડરીંગના કેસો અને ધરપકડ કરવાની તથા વેરાચોરોના બેંક એકાઉન્ટ સીઝ કરવા વગેરેની સતાઓ EDને આપી દીધી છે. સરકારના આ પગલાંનો જો કે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં વિરોધ ઉઠવાની પણ સંભાવનાઓ છે કેમ કે ED કાયદાનો દુરુપયોગ કરીને કરદાતાઓને પરેશાન કરે એવી પણ શકયતાઓ છે.
આજ દિન સુધી GST ચોરી માત્ર વેરાચોરી ગણાતી હતી, હવે નવા ફેરફારને કારણે આ વેરાચોરી નાણાંની હેરાફેરીનો કેસ બની શકશે, એટલે PMLA એક્ટ મુજબ ED આવા કેસોમાં સીધી કાર્યવાહીઓ દેશમાં કયાંય પણ કરી શકશે, જામનગર, કાલાવડ અને કલ્યાણપુરમાં પણ. આ સતાઓ વિશાળ હોય છે. અને સૌ જાણે છે એમ આરોપી ફરતે ભીંસ લેવા ED પાસે વિવિધ શસ્ત્રો છે.
અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે, GST ચોરી રૂ. પાંચ કરોડથી વધુની રકમની હોય તો જ ધરપકડ થતી. હવે ED નાનામાં નાની વેરાચોરીના કેસમાં કરદાતાઓ વિરુદ્ધ ધરપકડ સહિતની મોટી કાર્યવાહીઓ કરી શકશે. કરદાતાઓના બેંક એકાઉન્ટ પણ સીઝ કરી શકશે, અને આ પ્રકારના કરચોર સાથે સંકળાયેલા અન્ય સામાન્ય કરદાતાઓના બેંક એકાઉન્ટ પણ સીઝ કરી શકાશે. આમ ED ના કાર્યક્ષેત્રમાં સતાઓ વિશાળ અને આકરી હોવાથી કરદાતાઓ વિરુદ્ધ ED સમસ્યાઓ પણ ઉભી કરી શકે. આથી કરદાતાઓ આ વ્યવસ્થાનો વિરોધ કરે એવી પણ શકયતાઓ છે.
-ચૂંટણીઓ ટાણે કરદાતાઓને નોટિસો આવી પડી…
એક તરફ દેશભરમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે, ગુજરાતમાં પણ ચૂંટણીઓનો જબ્બર માહોલ છે અને બીજી તરફ GST તંત્ર દ્વારા ગુજરાતમાં હજારો કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાઓ અંગે ખાનગીમાં સવાલો ઉઠ્યા છે અને જાહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કરદાતાઓ ફફડી રહ્યા છે. તંત્ર અચાનક અત્યારે સક્રિય થયું છે.
કરદાતાઓને 20-20, 25-25 પાનાની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ વર્ષ 2019-20 માટેની છે. જેમાં કરદાતાઓની વેરા જવાબદારીઓ શોધી કાઢવામાં આવી છે. આ જવાબદારીઓ કોમ્પ્યુટર જનરેટેડ સિસ્ટમ દ્વારા શોધી કાઢવામાં આવી છે. હાલમાં આપવામાં આવેલી નોટિસ પ્રાથમિક છે. જો વેપારીઓ અને ઉદ્યોગકારો ચોક્કસ રકમની પેનલ્ટી ચૂકવી દેશે તો ઝંઝટમાંથી બચી શકશે. અને જો કરદાતાઓ સ્ફૂર્તિ દેખાડશે તો નહીં તો હવે તેઓને શો-કોઝ નોટિસ મોકલવામાં આવશે.
એક તરફ નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો અને કરદાતાઓ સૌ ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ તેઓના ધંધાકીય એકમોને આ કંકોતરીઓ પહોંચાડી દેવામાં આવી છે. સરકારી તંત્રોનો નિયમ છે, પોદળો પડે એટલે ધૂળ તો ઉપાડે જ. આથી કરદાતાઓમાં ફફડાટ છે. ગત્ ડિસેમ્બર અને માર્ચ કવાર્ટરમાં વર્ષ 2019-20 માટેના સ્ક્રૂટિનીના ઓર્ડર પાસ કરવામાં આવ્યા હતાં. જે અનુસંધાને તંત્રએ 7 મુદ્દાઓ આવરી લઈ કરદાતાઓને 20-25 પાનાની કંકોતરી મોકલાવી છે. કરદાતાઓ કહે છે, એક તરફ અગાઉના વર્ષ માટેની ઓર્ડર સામેની અપીલો દાખલ કરવાની કાર્યવાહીઓ ચાલી રહી છે, અપીલો ચાલતી નથી અને બીજી તરફ એ પછીના વર્ષ માટેની આ નોટિસ આવી પડતાં કરદાતાઓ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. કરદાતાઓએ અગાઉ જે રિટર્ન ફાઈલ કર્યા હોય, એ રિટર્નમાં કયાંય પણ જો તંત્રના ધ્યાન પર તફાવત મળી આવ્યો હોય, તો એવા તફાવતનો પણ કરદાતાઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. સાત મુદ્દાઓમાં આનો પણ સમાવેશ થઈ રહ્યો છે.