Mysamachar.in:જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ 12-જામનગર લોકસભા બેઠક મત વિસ્તારમાં થાય છે, ગત્ વિધાનસભા ચૂંટણીઓના મતદાનની પેટર્ન કહે છે. શાસકપક્ષને મતદાતાઓએ ઓછું વ્હાલ આપ્યું અને વિપક્ષની ઝોળીમાં મતદાતાઓએ ચિક્કાર મતો આપ્યા. વિપક્ષ પ્રત્યેનો લોકોનો આ પ્રેમ ધારો કે, વર્તમાન લોકસભા ચૂંટણીઓમાં ફરીથી જોવા મળે તો….???
પરંતુ ના. વાત એમ નથી. 2022 અને 2024 વચ્ચે ઘણાં બધાં ઓપરેશન કરી નાંખવામાં આવ્યા છે. વિપક્ષને જુદી જુદી રીતે મરણતોલ ફટકા લગાવી, શાસકપક્ષ હવે પોતે મજબૂત છે એવો કોન્ફીડન્સ ફીલ કરી રહ્યો છે. અને, દરેક ચૂંટણીઓમાં મતદાનના દિવસના સવારના છ વાગ્યા સુધી ઘણાં લોકોને ખાનગી જગ્યાઓ પર ઓપરેશન ટેબલ પર સૂવડાવવામાં આવતાં હોય છે. ઘણાંને શીશી સૂંઘાડવામાં આવતી હોય છે. ઘણાંને લોકલ એનેસ્થેથેશિયા આપવામાં આવતું હોય છે. અને, નાના ઓપરેશન કોઈને પણ બેભાન કર્યા વગર પણ બાહોશ ‘તબીબો’ કરી લેતાં હોય છે. દરેક પક્ષ આવી મોડસ ઓપરેન્ડી અપનાવવા મજબૂર હોય છે- જિતવા.
જામનગર લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ અને દ્વારકા જિલ્લાની બે બેઠક છે. ગત્ વિધાનસભા ચૂંટણીઓમાં આ સાત વિધાનસભા બેઠક પૈકી કાલાવડ વિધાનસભા બેઠક પર શાસકપક્ષને 59,292 અને વિપક્ષ (કોંગ્રેસ તથા આપ)ના ભાગમાં 67,779 મત આવ્યા હતાં. હાલના કોંગ્રેસ આપના સંયુકત લોકસભા ઉમેદવાર આ વિસ્તારના છે.
સાત વિધાનસભા બેઠક પૈકી જામનગર ગ્રામ્ય બેઠક પર ચૂંટાયેલા ભાજપાના ધારાસભ્ય 79,439 મત મેળવી શક્યા હતાં. તેઓ કેબિનેટ મંત્રી છે. આ બેઠક પર વિપક્ષ ( કોંગ્રેસ, આપ અને બસપા) 79,838 મત મેળવવામાં સફળ રહેલ. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર શાસકપક્ષનું રોલર ફરી વળતાં શાસકપક્ષને મોટી લીડ મળી હતી. શાસકપક્ષને 88,865 અને વિપક્ષને 58,539 મતની આવક થયેલી. એ જ રીતે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર શાસકપક્ષને 86,492 અને વિપક્ષને 40,380 મત મળેલ.
જામનગર જિલ્લાની પાંચમી વિધાનસભા બેઠક જામજોધપુરમાં તો વિપક્ષનો વિજય પણ થયો. વિપક્ષને કુલ 84,911 મત અને શાસકપક્ષને 60,994 મત મળેલ હતાં. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા બેઠક શાસકપક્ષ માટે નબળી પૂરવાર થયેલી. શાસકપક્ષને 2022માં ખંભાળિયા બેઠક પર 77,834 અને વિપક્ષને ફાળે 1,03,804 મત ગયા હતાં. એ જ રીતે દ્વારકા વિધાનસભા બેઠક પર શાસકપક્ષને 74,018 અને વિપક્ષને 97,082 મત મળેલ હતાં.
2022ની આ વિધાનસભા ચૂંટણીઓ બાદ વિપક્ષ એક થઈ ગયો. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તથા આપ પાર્ટીએ સંયુકત ઉમેદવાર ઉભા રાખ્યા છે. વિધાનસભા પેટર્ન મુજબ આ ચૂંટણીઓમાં મતદાન થાય તો…? ના પરંતુ આ લોકસભા છે. આ ચૂંટણીઓ વધુ તીવ્ર હોય છે. પણ 2024માં વિપક્ષના ઘણાં આગેવાનો અને કાર્યકર્તાઓ શાસકપક્ષમાં જતાં રહ્યા છે, જેનો ફાયદો પણ શાશકપક્ષને પણ થઇ શકે, જેમણે 2022માં શાસકપક્ષને ખૂબ દોડધામ કરાવી હતી. પરંતુ તેની સામે એક હકીકત એ પણ હોય છે કે, મતદાતાઓ આગેવાનો કે પક્ષના કાર્યકર્તાઓ કહે એમ જ મતદાન કરે, એવું ફરજિયાત હોતું નથી. ઉમેદવારોની લોકપ્રિયતા અને સક્રિયતા પણ મહત્વની હોય છે, અને, ગરમી તથા નિરસતા જેવા કારણોસર આ ચૂંટણીઓમાં ઘણાં લોકો મતદાન માટે બહાર ન આવે એવું પણ બની શકે. દાખલા તરીકે, હાલ લોકસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કામાં મતદાન નોંધપાત્ર થયું નથી. જો કે, સાતમી મે એ શું થશે, એની ખબર તો ચાર જૂને જ પડે.