Mysamachar.in-અમદાવાદ:
ચીભડાંના રક્ષણ માટે વાડ હોય છે, ગુજરાતીમાં કહેવાય છે કે, વાડ પોતે ચીભડાં ગળી જાય, અને આવા બનાવો હજારો વખત બનતાં હોય છે, જે પૈકી ઘણાં બનાવ જાહેર પણ થતાં હોય છે. આવો એક વધુ બનાવ જાહેર થયો છે. એક બેંકની મહિલા મેનેજર બેંકના ચીભડાં ગળી ગઈ અને બાદમાં ધરપકડથી બચવા વિદેશ ભાગી છૂટી પરંતુ પ્રીતિ નામની આ મહિલાને પરત દેશમાં લાવવામાં સત્તાવાળાઓને સફળતા મળી અને આખરે આ ચીભડાંચોર મહિલાને જેલસજાનો હુકમ થયો. જેને કારણે ગુજરાતના બેંકિંગ જગતમાં હલચલ મચી ગઈ છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ છે, જેમાં CBI એ બેંકની એક મહિલા અધિકારીને, ગુજરાતમાં જેલમાં ધકેલી હોય.
આ બેંકનું નામ ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક. આ મહિલાનું નામ પ્રીતિ વિજય સાહિજવાણી. તેણી આ બેંકની અમદાવાદ વસ્ત્રાપુર શાખાની સિનિયર મેનેજર હતી. 24 વર્ષ અગાઉ તેણીએ એક કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડની આજના મૂલ્ય પ્રમાણે રૂ. 84 કરોડની કિંમત થઈ શકે. આ મહિલાને આ કૌભાંડમાં દોષિત ઠરાવી CBI અદાલતે 7 વર્ષની જેલ સજા અને રૂ. 15 કરોડના દંડનો હુકમ કર્યો છે.
કૌભાંડ બાદ 12 વર્ષ સુધી આ મહિલા ધરપકડથી બચતી રહી. ફરાર થઈ ગઈ હતી. કેસની જાણ છતાં કોર્ટમાં હાજર થઈ ન હતી. વિદેશ જતી રહી હતી. સત્તાવાળાઓ તેણીને છેક વિદેશથી અહીં અમદાવાદ ઢસડી લાવ્યા. બાદમાં કેસ આગળ ચાલ્યો. આ મહિલાના વકીલે CBI અદાલતમાં ઘણી બચાવદલીલો કરી, જે અદાલતે ફગાવી દીધી. સ્પેશિયલ જજે કહ્યું: આરોપીનું ગુનાહિત કૃત્ય એવું છે કે, ગ્રાહક બેંક પ્રત્યે વિશ્વાસ ગુમાવી બેસે. સજા હળવી થઈ શકે નહીં. આરોપીની આર્થિક સ્થિતિ પણ મજબૂત છે.
પ્રીતિ નામની આ મહિલા મેનેજરે કાલ્પનિક નામો બેંકના રેકોર્ડ પર ગોઠવી, આ નામો પર લોન્સ આપી દીધી હતી. અને, આ નાણાં આ મહિલા સહિતના આરોપીઓએ ખિસ્સા અને પર્સમાં સેરવી લીધાં. લોન લેનાર આરોપીઓ અને લોન મંજૂર કરનાર પણ આરોપીઓ. ખાસ જજે કહ્યું ભવિષ્યમાં કોઈ બેંક મેનેજર આવું કૃત્ય ન કરે તે માટે મહત્તમ સજા અને દંડ કરવામાં આવે છે. કેમ કે બેંકના નાણાં લોકોના નાણાં છે.