Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં નકલી અધિકારીઓથી માંડીને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ રહી છે, આ આખો ટ્રેન્ડ છેલ્લા કેટલાંક મહિનાઓથી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો હોય, આ પ્રકારના શખ્સો ઝડપાઈ જવાની ઘટનાઓ ખુદ રહસ્યમય ભાસી રહી છે, લોકોને શંકાઓ એવી પણ છે કે, ક્યાંક, કંઈક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નવા સમાચાર એવા આવ્યા છે કે, સાયબર સેલના એકસાથે 13 નકલી અધિકારીઓ ઝડપાઈ ગયા છે એવું જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદની એક સંસ્થાના પ્રેસિડેન્ટનું નકલી બેંક ખાતું આતંકવાદી ફંડિગમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે એવી દમદાટી આપીને કેટલાંક શખ્સોએ આ મામલામાં રૂ. 1.15 કરોડનો ધનલાભ કરી લીધો છે એવી વિગતો સત્તાવાળાઓએ જાહેર કરી છે અને એમ પણ જાહેર કર્યું છે કે, અમે આ ગેંગને દબોચી લીધી છે. આ 13 શખ્સોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ કહે છે: આ શખ્સોએ અમદાવાદના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને પોતે સાયબર સેલના અધિકારીઓ છે એવી ઓળખ આપીને એમની પાસેથી રૂપિયા લીધાં હતાં. આ શખ્સોએ પોતાની વાતચીતમાં તાઈવાન, મુંબઈ એરપોર્ટ, કુરિયર કંપની વગેરે બાબતોની સાથે આતંકવાદી ફંડિગ વગેરે પ્રકારની લાંબી વાતો કરેલી. વાતચીત દરમિયાન કોલ રેકોર્ડ થવાની પણ વાત કરી ફરિયાદી સાથે આ શખ્સોએ સ્કાયપ પર વાતચીત કરેલી.
આ શખ્સોએ ફરિયાદીને CBI ના લોગોવાળું વોરંટ પણ દેખાડેલું. આ શખ્સોએ આ મોટી રકમ બે બેંક એકાઉન્ટમાં ફરિયાદી પાસે જમા કરાવી હતી. સાયબર ક્રાઈમની ટીમોએ આ આરોપીઓને શોધી કાઢવા રાજકોટ, ઉપલેટા, કુતિયાણા અને ધોરાજીની મુલાકાત લીધી હતી. 13 આરોપીઓ ઝડપાઈ ગયા છે. ફરિયાદીએ ગુમાવેલી રકમ હાલ ક્યાં છે, તે જાહેર નથી થયું પરંતુ રકમ રિકવરીની કામગીરીઓ ચાલી રહી છે. 13 પૈકી એક શખ્સ મોઈન ઈગારીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ શખ્સ મુખ્ય આરોપી હોવાનું સાયબર ક્રાઈમ બ્રાન્ચ કહે છે. અન્ય 12 આરોપીઓની પણ પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં ICICI બેંકનું નામ ચમકયું છે, જે અત્રે ઉલ્લેખનિય છે. થોડા સમય અગાઉ એવો પણ એક અહેવાલ હતો કે, ચોક્કસ પ્રકારના સાયબર ક્રાઈમ સાથે બેંકોના નામો જે રીતે જાહેર થઈ રહ્યા છે તે દર્શાવે છે કે, બેંકોમાં પણ ઉંડી તપાસની જરૂર છે. ચીટર લોકોના બેંક એકાઉન્ટ આટલી આસાનીથી બેંકોમાં કેવી રીતે ખુલી રહ્યા છે, તે પણ તપાસનો વિષય લેખાવી શકાય.