Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ – સંગઠ્ઠનો – મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરોકત રામસવારી 42 વર્ષ પૂર્ણ કરીને 43માં વર્ષમાં પ્રવેશી છે. આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા 26 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામ સવારી તા.17/04/2024 ને બુધવારના દિવસે સાંજે સાડા ચાર વાગ્યે તળાવની પાળ પર આવેલા બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ થશે, અને ત્યાંથી હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેન્ક રોડ, માંડવી ટાવર રોડ, દરબારગઢ, ચાંદી બજાર થઈ દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડીગેઇટ થઈ શહેરના મુખ્ય માર્ગો પર નગર ભ્રમણ કરશે,અને પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે પરિપૂર્ણ થશે. આ શોભાયાત્રાના માર્ગ પર કુલ ૫૧ જેટલા સ્થળોએ રામસવારીનું સ્વાગત કરવામાં આવશે, સાથોસાથ પ્રસાદ અને સરબતનું વિતરણ કરવામાં આવશે.
રામ સવારીની ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવા માટે શનીવાર તા. 13/04/2024 ના રાત્રીના પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી રામદુત હનુમાનજીના મંદિરે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી અને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભૂજદાસજી મહારાજની અધ્યક્ષતામાં અંતિમ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ), શોભાયાત્રાના કન્વીનર પી.એમ.જાડેજા, તેમજ સહ કન્વીનર મૃગેશ દવે તથા ધવલ નાખવાની રાહબરી હેઠળ શહેરના જુદા જુદા વિવિધ ધાર્મીક સંગઠન, જ્ઞાતિ મંડળ, યુવક મંડળ, સહિતના હોદેદારો તેમજ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે સંકલન સમિતિની એક બેઠક અલગથી યોજાઇ ગઇ હતી. જેમાં 53 રામસેવકોની સંકલન સમિતિ બનાવવામાં આવી હતી. જે તમામ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામ – લક્ષ્મણ – જાનકીની મુખ્ય પાલખી સાથેનો સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે અને સમગ્ર ફલોટ્સને ફૂલ ઝાડ ના રોપાથી તેમજ લીલા રંગથી શુશોભીત કરાશે અને ભવ્ય લાઇટીંગ સહિતના સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો છે. અને વન્ય કુટીર બનાવાઇ છે. સાથો સાથ ડી.જે. સીસ્ટમ – પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પી.જે. એકેડમી ગ્રુપના સભ્યો સુરક્ષા કવચ પૂરું પાડશે. ઉપરાંત શિવ સેના, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, ઓમ યુવક મંડળ, હિન્દુ ઉત્સવ મિત્ર મંડળ, રાજા મેલડી ગ્રુપ, પ્રભુ શ્રી રામચંદ્રજી ગ્રુપ, શિવ શક્તિ ગ્રૂપ, નાગેશ્વર મિત્ર મંડળ, વિરાટ બજરંગ દળ,તાડીયા હનુમાન મિત્ર મંડળ,ભગવા રક્ષક ગ્રુપ સહિતના ૨૬ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા – સરબત – છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે
આ વર્ષે યોજાનારી તેતાલીસમી રામ સવારીને તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિરે સાંજે સાડા ચાર વાગ્યે જામનગરના સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ, ઉપરાંત બાલા હનુમાનજી મંદિરના પૂજારી તેમજ બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુ લાલ તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા પાલખીનું પૂજન કરીને પ્રસ્થાન કરાવાશે. આ સમયે શહેરના તમામ ધાર્મિક સંસ્થાના વડા, દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ શહેરના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પાલખીનું પૂજન કરીને રામ સવારીનો પ્રારંભ કરાવાશે.
જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12:30 વાગ્યે પૂર્ણ થશે, અને ત્યાં શ્રી લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખીના દર્શનનો લાભ લેવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવહરમિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
-રામ સવારીના મુખ્ય રથમાં વન્ય કુટીર સાથેની ભગવાન રામ- લક્ષ્મણ- જાનકીની ઝાંખી ઉભી કરાશે
છોટી કાશીમાં યોજાતી રામ સવારી દરમિયાન મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ જાનકીનો મુખ્ય રથ તૈયાર કરવામાં આવે છે, અને પ્રતિ વર્ષ વિવિધ ઝાંખીના દર્શન તૈયાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે અવખતની રામ સવારીમાં ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષમણ સાથે જ્યારે 14 વર્ષ માટે વનવાસમાં ગયા હતા, ત્યારે તેઓએ વનમાં જે કુટિર બનાવી હતી, તે વન્ય કુટીરની ઝાંખી ઉભી કરવામાં આવી રહી છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા સાથેના મુખ્ય રથમાં વનસ્પતિ અને ફૂલ ઝાડની વનરાઈ ની વચ્ચે ભગવાનની કુટીર ઉભી કરાશે જેમાં ઓરીજીનલ ફૂલ- ઝાડના રોપા સાથેના કુંડા મુકવામાં આવશે,અને તેની ઝાંખી તૈયાર કરાશે.
સાથે સાથે ભગવાનની કુટીર ની ફરતે શાંતિનું પ્રતિક એવા સાચા કબૂતરો પણ મૂકવામાં આવશે, જેની ફરતે ભવ્ય લાઇટિંગ નો નજારો તૈયાર કરાશે, અને સાંજે 5:00 વાગ્યાથી મોડી રાત્રીના 12:30 વાગ્યા સુધી શહેરના પ્રત્યેક રામભક્તો ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીના દૂર દૂર સુધી પણ દર્શન કરી શકે, તે પ્રકારે નો મુખ્ય રથ સુશોભિત કરીને નગરજનોના દર્શનાર્થે મુકાશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ અને તેમની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.