Mysamachar.in-રાજકોટ:
રાજકોટ કાલે રવિવારે ક્ષત્રિયમય રહ્યું. જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં પડ્યા. ખુદ સરકાર ચોંકી ઉઠી: સ્વયંભૂ આટલી મેદની ? અને, આટલો સંયમ તથા સ્વયં શિસ્ત ?! લાખોની મેદની ઉમટી પડી. અને, ક્ષત્રિય સમાજના પુરુષ તથા મહિલા અગ્રણીઓએ પોતાનો અસલી મિજાજ દેખાડી, એક અર્થમાં ગાંધીનગર અને દિલ્હીને ધગધગતો સંદેશ પહોંચાડી દીધો કે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ક્ષત્રિયોના આ સંમેલન થી સ્તબ્ધ થઈ ગઈ છે અને પક્ષમાં રહેલાં ક્ષત્રિય નેતાઓ સંતાઈ જવા મજબૂર બની ગયા.
રાજકોટના રતનપરમાં રવિવારે બપોરથી શરૂ થયેલું ક્ષત્રિયોનું આ મહાસંમેલન મોડી સાંજ સુધી ચાલ્યું અને આઝાદી બાદ પ્રથમ વખત ક્ષત્રિયોએ આ સંપ દેખાડ્યો. ક્ષત્રિયોનો આ મહાદરબાર સ્વયંભૂ હતો. લાખો ક્ષત્રિય સમાજની એકતા અને અસ્મિતાની જાળવણી માટે ગામેગામથી ઉમટી પડ્યા. છેક મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ આગેવાનો આવી પહોંચ્યા. અને, મહાદરબારમાં શક્તિશાળી ભાજપા અને લોખંડી સરકારને પણ યુદ્ધની ભાષામાં લલકારવામાં આવી.
સમાજની અસ્મિતાને ખાતર અને કરોડો રાજપૂતાણીઓની આબરૂની રક્ષાને ખાતર રૂપાલા નિવેદન મુદ્દે ચાલી રહેલી આ લડાઈમાં ક્ષત્રિયોએ પોતાનો અસલ મિજાજ દેખાડી જાહેરમાં રણટંકાર કરી, ભાજપાને અલ્ટીમેટમ આપી દીધું છે કે, જો રૂપાલા જ રાજકોટમાં ભાજપાના લોકસભા ઉમેદવાર રહેશે તો જોયા જેવી થશે. રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપાની વિરુદ્ધ કચકચાવીને મતદાન કરાવવા ક્ષત્રિયો બધી જ રણનીતિઓનો ઉપયોગ કરી લેશે. જય ભવાની, ભાજપા જવાની એવો સૂર આ મહાદરબારમાં વ્યક્ત કરવામાં આવ્યો. એટલું જ નહીં, ચૂંટણી ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 19મીએ આ ક્ષત્રિય આંદોલન દેશભરમાં લઈ જવા પણ ચેતવણી આપી દેવામાં આવી.
રાજકોટના આ મહાસંમેલનમાં ભાજપાના જે ક્ષત્રિય નેતાઓ ગેરહાજર રહ્યા, તેઓને વારંવાર ભાજપૂતો ગણાવી તેમની તીખી ટીકાઓ કરવામાં આવી. વક્તાઓએ કહ્યું, રૂપાલાની વિવાદીત ટીપ્પણીને કારણે આઝાદી બાદ પ્રથમ વખત ક્ષત્રિય સમાજ આ રીતે એક થયો છે, આ એકતા ટકાવી રાખવાની છે.
આ મહાદરબારમાં ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું: હવે વિચક્ષણ બુદ્ધિથી લડવાનો સમય છે. હવે શહીદ થવાની નહીં, જિતવાની લડાઈ લડવાની છે. દશરથબાએ કહ્યું: 9 વર્ષની ક્ષત્રિયની દીકરીથી માંડીને 90 વર્ષની ક્ષત્રિયાણી આ લડાઈ લડી રહી છે. સંમેલનમાં કહેવાયું: કેસરિયા કર્યા છે. લડાઈની જાહેરાત થઈ ગઈ છે. સ્વાભિમાનના ભોગે સમાધાન નહીં- આ સૂર સૌ એક અવાજે બોલ્યા.
પદમિનીબાએ કહ્યું : આંદોલન કર્યું જ છે તો, છાશ લેવા જવામાં દોણી શા માટે સંતાડવી. ખુલીને જ લડીએ, રૂપાલાને પણ થતું હશે કે કોની ઝપટે ચડી ગયા. મધ્યપ્રદેશના કરણી સેના આગેવાન જિવનસિંહ શેરપૂરે કહ્યું: બહેન, દીકરીઓ અને માતાઓના સ્વમાન માટેની આ લડાઈ છે. હવે જે નેતાઓ મત માંગવા આવે તેમનો ઈલાજ થવો જોઈએ. ભાજપૂતો ડરે છે, ભલે તેઓ ગુલામી કરે.
અલવરના રાજકુમારી- કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કીર્તિ રાઠોડે કહ્યું: રૂપાલાને શેર કે મુંહ મેં હાથ ડાલા હૈ, ઈસ ગીધડ કો ઉસકી મૌત દીખાઓ. ક્ષત્રિય અબ જાગ ગયે હૈ. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના ગુજરાતના મહિલા અધ્યક્ષા તૃપ્તિબા રાઓલે કહ્યું: વિરોધ પ્રદર્શન વખતે જો મહિલાઓ સાથે અયોગ્ય વર્તન થશે તો, રાણાને રોકી શકાશે નહીં. આજે રાજ નથી પરંતુ ન્યાય માટે લડવું આપણો અબાધિત અધિકાર છે. આ સંમેલનમાં કાઠી રાજપૂતો, કારડીયા રાજપૂત, ગરાસિયા તથા ગુર્જર રાજપૂત સહિતના તમામ રાજપૂત જોડાયા હતાં.
આ મહાસંમેલનમાં કરણી સેનાના મહિપાલસિંહ રાણા, સંકલન સમિતિના રમજુભા જાડેજા, દલિત અને આદિવાસી સમાજના આગેવાનો, વિવિધ રાજવીઓ તથા પી.ટી.જાડેજા સહિત સેંકડો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ મહાસંમેલનમાં એવી પણ જાહેરાત થઈ કે, રૂપાલા ચૂંટણી લડશે તો મતદાનના દિવસ સાતમી મે સુધી આ આંદોલન ચાલુ રહેશે.
-પરેશ ધાનાણીએ આજે ટ્વિટ કર્યું કે…
રવિવારના ક્ષત્રિય સમાજના આ મહાસંમેલન બાદ, આજે સોમવારે ભાજપાના રૂપાલા સામે રાજકોટ બેઠક પર લડી રહેલાં કોંગ્રેસના હેવી વેઈટ ઉમેદવાર પરેશ ધાનાણીએ આ મહાસંમેલનનો વીડિયો ટ્વીટ કરી એક્સ પર લખ્યું છે: રાજકોટનું રણમેદાન….હે ભાજપાના ભીષ્મ પિતામહ..હવે તમારે અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી દેખાડવું જ છે ?…તારીખ 16 ની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો…બપોરના ચારે, કુળદેવીના દ્વારે શીશ ઝૂકાવીને શરૂ કરીશું…સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ…પરેશ ધાનાણીના આ ટ્વિટને રાજકોટ રણભૂમિ પર ચૂંટણીના રણટંકાર તરીકે ભારે રિસ્પોન્સ મળી રહ્યો છે.