Mysamachar.in-જામનગર:
ગતરોજ રવિવારના સવારે દસેક વાગ્યાના અરસામાં જામનગરના ધુતારપર ગામમાં ખેતમજૂરી કરતી એક મહિલાએ તેના 9 માસના એક બાળક સહીત ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી દેતા આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.બનાવની જાણ થતા કાલાવડ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્રણેય માસૂમ સાથે માતાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં તો ઘટનાની જાણ પંચકોશી એ ડીવીઝન પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી
આ અંગે આજે પોલીસ ચોપડે જાહેર થયેલ વિગતો પર નજર કરવામાં આવે તો જામનગરના ધુતારપર ગામમાં રહેતા દિનેશ કોટડીયાની વાડીમાં મધ્યપ્રદેશના ખેતમજૂરનો પરિવાર રહેતો અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે ખેતમજુર પરિવારની માતા સંગીતાબેને ગતરોજ તેમની 6 વર્ષીય પુત્રી મમતા, 3 વર્ષીય પુત્રી અંજલી અને 9 માસનો પુત્ર સોહનને કૂવામાં નાખ્યા બાદ પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું.
ઘટના બાદ પંચકોશી એ ડીવીઝન પીએસઆઈ એ.કે.પટેલ સહિતની ટીમ સ્થળ પર પહોચી હતી અને આ ઘટના અંગે તપાસ કરતા મૃતક મહિલાના પતિ કમલેશ મીનાવાએ તેની પત્ની સામે હત્યાનો ગુન્હો દાખલ કરાવતા જાહેર કર્યું કે તેની પત્ની મૃતક સંગીતાબેન પોતાને પિયર જવા માંગતી હોય જેથી તેના પતિ કમલેશ મીનાવાએ તેની પત્નીને કહ્યું હતું કે પોતે ભાગમાં રાખેલ જીરાનો હિસાબ લેવાનો બાકી હોય જેથી હાલ પીયર નહી જવા કહેતા સંગીતાને મનમાં લાગી આવતા તેણીએ પોતાના બાળકો દીકરી મમતા, દીકરી અંજલી અને દીકરો સોહનને રસીકભાઇ દામજીભાઇની વાડીના પાણી ભરેલા કુવામાં ફેકી દઇ મોત નિપજાવી તેમજ સંગીતા પોતે પણ પોતાની જાતે કુવામાં ઝંપલાવી દેવાની આ ઘટનામાં હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.