Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં સરકારી તંત્રો દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન ક્યાંક ને ક્યાંક સરકારી અથવા ખાનગી પ્રોજેક્ટસ માટે જમીન સંપાદનની કામગીરીઓ અને કાર્યવાહીઓ ચાલતી રહેતી હોય છે. આ પ્રકારનો એક મામલો તાજેતરમાં હાઈકોર્ટમાં આવ્યો હતો. જેમાં સરકારને નોટિસ આપી જવાબ મંગાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2013થી જમીન સંપાદન માટે કેન્દ્ર સરકારે દેશભરમાં નવો કાયદો અમલમાં મૂક્યો છે. તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો આ કાયદાનો અમલ કરવા બંધાયેલા છે, આ નવા કાયદામાં જમીનમાલિકની સંપાદન માટેની સંમતિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
તાજેતરમાં ગુજરાતની વડી અદાલતમાં જમીન સંપાદનનો એક મામલો આવ્યો. જેની સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલામાં વળતરના મુદ્દે દલીલો ચાલી રહી છે. તે દરમિયાન, જમીનમાલિકની સંપાદન અંગેની સંમતિનો મુદ્દો પણ દલીલમાં આવ્યો. આ તકે અરજદારની એક અરજી દાખલ કરી, વડી અદાલતે સરકારને નોટિસ પાઠવી છે.
વડી અદાલતે આ મામલામાં હાલ એવું અવલોકન કર્યું છે કે, કોઈ પણ કેસમાં જો જમીનમાલિકે તે જમીન સંપાદન માટે સંમતિ આપેલ છે તો પણ વળતરની વાત આવે ત્યારે, જમીન સંપાદન અંગેના 2013ના નવા કાયદાની વળતરની જોગવાઈઓનો અમલ કરવાનો રહે છે. આ અવલોકન સાથે અદાલતે સરકારને નોટિસ પાઠવી આગામી 15 દિવસમાં જવાબ દાખલ કરવા સરકારને જણાવ્યું છે. સરકાર દ્વારા આ મામલામાં અદાલતમાં જવાબ દાખલ થયા બાદ, વળતર અંગેની આ અરજીમાં અદાલત શું વલણ અખત્યાર કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.