Mysamachar.in:જુનાગઢ:
જામનગરની GST કચેરી કરદાતાઓ સંબંધિત કે કચેરીની કામગીરીઓ કે કાર્યવાહીઓ સંબંધે કોઈ વિગતો બહાર પાડતી નથી અને સમગ્ર કારભાર જૂનાગઢમાં આવેલી GST ની વડી કચેરી એટલે કે, જોઈન્ટ કમિશ્નરના નેજા હેઠળ થઈ રહ્યો છે, એવું જામનગર કચેરી કહે છે. તે દરમિયાન, જૂનાગઢ GST કચેરીનો એક આસિસ્ટન્ટ કમિશનર લાંચના છટકામાં ઝડપાઈ જતાં ચકચાર મચી છે. 57 વર્ષના આ અધિકારીએ હવે જેલના સળિયા ગણવાના રહેશે કેમ કે, તેની પાસેથી એસીબી અધિકારીએ લાંચની રકમ રિકવર કરી છે.
આ આરોપીનું નામ વલ્લભ ભીખાભાઈ પટેલીયા છે. જૂનાગઢમાં આવેલી GST કચેરીના ઘટક 84 માં તે આસિસ્ટન્ટ કમિશનરના હોદ્દા પર છે. તેની પાસે એક અરજદાર ગયો હતો, જેણે નિયમ અનુસાર લેટર ઓફ અન્ડર ટેકિંગ માટે અરજી કરેલી. આ અધિકારીએ આ અરજદાર પાસેથી ‘ચાય-પાની’ની માંગ કરેલી. અરજદાર કામના બદલામાં નાણાં આપવા ઈચ્છતા ન હતાં તેથી તેણે લાંચ રૂશવત વિરોધી શાખાને સમગ્ર હકીકત જણાવેલી. બાદમાં છટકું ગોઠવાયું. અને, અધિકારી લાંચની રકમ સાથે ઝડપાઈ ગયો.
ACB PI જે.બી.કરમૂરની ટીમે આ અધિકારીને ઝડપી લઈ રૂ. 12,000ની લાંચની રકમ રિકવર કરી છે. જે અરજદારે આપેલી. આ અધિકારી આગામી થોડાં જ સમયમાં નિવૃત થવાના હતાં, તે દરમિયાન રંગે હાથ ઝડપાઈ જતાં હવે આ ઉંમરે એમને જેલના સળિયા ગણવા પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ GST કચેરી જૂનાગઢ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર સહિતના જિલ્લાઓનો GST નો કારભાર સંભાળે છે.