Mysamachar.in: અમદાવાદ
અદાલતી પ્રક્રિયાઓનો વિલંબ કાયમ ચર્ચાસ્પદ રહેતો હોય છે. જો કે આ પ્રકારના વિલંબ પાછળ અલગઅલગ કારણો હોય છે. ખાસ કરીને સરકારી કામોમાં વિલંબ મોટાભાગના કેસમાં સરકારની કાર્યપદ્ધતિઓને કારણે જોવા મળતો હોય છે. આ મુદ્દો તાજેતરમાં હાઈકોર્ટમાં પણ આવ્યો. જેમાં અદાલતે સરકારને ટકોર કરી છે.હત્યા, રેપ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30-30 વર્ષથી પેન્ડિંગ ક્રિમિનલ અપીલોના મામલે હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. અદાલતે અવલોકનમાં કહ્યું: ત્રણ ત્રણ દાયકાથી ગંભીર ગુનાઓના કેસની અપીલ પેન્ડિંગ છે. મોટાભાગની અપીલોમાં રાજ્ય સરકાર મેજર પક્ષકાર છે. એવા સંજોગોમાં સરકાર અપીલ દાખલ કર્યા બાદ ‘મૂકપ્રેક્ષક’ બની બેસી રહી શકે નહીં.
વડી અદાલતે આ મામલામાં આદેશ કર્યો છે કે, હવે આ હાઈ ટાઇમ છે કે રાજ્ય સરકાર ક્રિમિનલ અપીલની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે અને એ માટે હાઇકોર્ટના આદેશ મુજબ જે કમિટીનું ગઠન થયું હોય, એ જૂની અપીલ કોર્ટ સમક્ષ ચાલે એ માટે સરકાર વ્યવસ્થા ગોઠવે. રાજ્યના કાયદા વિભાગના સચિવને આ આદેશ મોકલી આપવાનો હુકમ પણ કરાયો છે.હાલમાં જ હાઈકોર્ટે 73 વર્ષના એક આરોપીને કે જેના પર પોતાની પત્નીની હત્યાનો ગુનો હતો, તેને ટ્રાયલ કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો. જે અપીલમાં વડી અદાલતે આરોપીને દોષિત ઠરાવ્યો છે. અને એને શરણે થવા 6 સપ્તાહનો સમય આપ્યો છે.
જો કે આ અપીલની સુનાવણી બાદ તેમાં 50 પાનાનો દળદાર ચુકાદો આપ્યા બાદ અદાલતે ગંભીર ગુનાઓના કેસમાં સરકારની ઝાટકણી કાઢી સુવ્યવસ્થિત રીતે અપીલોનો નિકાલ થઈ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવાનો હુકમ કર્યો હતો. અદાલતે કહ્યું: અપીલ દાખલ કર્યા બાદની પ્રક્રિયાઓને સરકાર નજરઅંદાજ કરી શકે નહીં. તેમની પણ જવાબદારીઓ બને છે. ગંભીર ગુનાઓ બહોળા સમાજને અસર કરે છે ત્યારે, સરકારની ફરજ કાયદાના રક્ષક અને ગાર્ડિયન તરીકેની બને છે.
તેનાથી વિપરીત બે થી ત્રણ દાયકા સુધી સરકાર અપીલ ચલાવવા અથવા એનો નિર્ણય આવે એ માટેના પ્રયત્નો ન કરીને તેની જવાબદારી બજાવવામાં નિષ્ફળ રહે છે. આ માટે કોઈ તંત્ર બને એ આશયથી વડી અદાલતે ગત્ વર્ષે આદેશ કર્યો હતો, પરંતુ સરકારના બહેરા કાને એ આદેશ પડ્યા નથી. કોર્ટની પણ એક સીમા હોય છે, પરંતુ સરકાર આ રીતે કોર્ટના આદેશ નજરઅંદાજ કરી શકે નહીં. સરકારે ક્રિમિનલ અપીલ માટે એક વ્યવસ્થા ગોઠવવી પડશે. કમિટી તેમાં ધ્યાન આપે અને ઝડપથી અપીલ ચાલે એ માટેની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવે. કોર્ટ હાલના તબક્કે આશા રાખે છે કે, સરકાર સકારાત્મક અને અર્થપૂર્ણ પ્રયત્નો કરશે, અને કોર્ટે બીજો કોઈ આદેશ કરવો નહીં પડે.