Mysamachar.in: જામનગર
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં જ્યારથી GST કરવ્યવસ્થા અમલમાં આવી છે ત્યારથી, અન્ય કેટલીક બાબતોની સાથેસાથે તંત્ર દ્વારા કરદાતાઓને થતી વિવિધ પ્રકારની હેરાનગતિઓ પણ વિવાદાસ્પદ મામલો રહ્યો છે. સમગ્ર તંત્રમાં અધિકારીરાજ ચાલી રહ્યું છે, કરદાતાઓની મુશ્કેલીઓ પર કયાંય ધ્યાન આપવામાં આવતું નથી, કરદાતાઓની આ પ્રકારની વિવિધ ફરિયાદો છેક ઉપર સુધી અને સરકાર સુધી પણ પહોંચી છે. જેને પગલે તંત્રએ અધિકારીઓ માટે SOP જાહેર કરવી પડી છે.GST અધિકારીઓ તરફથી કરદાતાઓને થતી હેરાનગતિઓની ફરિયાદો પ્રાપ્ત થયા બાદ, GST ના કેન્દ્રીય ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા 6 પાનાની એક SOP જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓએ હવે શું શું ધ્યાન આપવાનું રહેશે, તે અંગે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, GSTના અધિકારીઓએ કરદાતાઓને ત્યાં જે તપાસ કરી હોય, તે તપાસની સંપૂર્ણ વિગતો અને પૂછપરછ દરમિયાનના કરદાતાઓના નિવેદનો ઓનલાઈન મૂકવાના રહેશે. અને, તપાસ પછીના કામના 4 દિવસો દરમિયાન એટલે કે તપાસ પછીના 100 કલાકમાં આ સઘળી વિગતો ઓનલાઈન મૂકવાની રહેશે.
આ ઉપરાંત અધિકારીઓના આચરણ અને વર્તન માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા છે. SOP માં કરદાતાની તપાસ અને પૂછપરછની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ તપાસ અને પૂછપરછની જે વિગતો ઓનલાઈન અપલોડ કરશે તેની ચકાસણીઓ DGGIના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. SOP માં એ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે કે, તપાસ અધિકારીઓ જે વિગતો ઓનલાઈન અપલોડ કરશે તે વિગતો ટૂકડે ટૂકડે ન હોવી જોઈએ. સ્પષ્ટ વિગતો અપલોડ કરવાની રહેશે. અને આ અપલોડ કામગીરીઓ નિયત સમય મર્યાદામાં થયેલી હોવી જોઈએ.
ઘણાં કિસ્સાઓમાં એક જ કરદાતાને વારંવાર નોટિસ આપવામાં આવી હોય છે, તપાસ દરમિયાન કરદાતાને હેરાનગતિઓ થઈ હોય છે અથવા ઘણાં કેસમાં તંત્ર દ્વારા કરદાતાને વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હોય છે. આ બાબતોનો પણ SOP માં ઉલ્લેખ છે. જેમાં કહેવાયું છે કે, પ્રારંભિક તપાસના કારણો અંગેના લેખિત દસ્તાવેજ હોવા જોઈએ. આ તમામ દસ્તાવેજ અને તપાસ રિપોર્ટ લેખિત અને ઓનલાઈન મૂકવાના રહેશે.આ ઉપરાંત એમ પણ સૂચનાઓ આપવામાં આવી છે કે, લિસ્ટેડ કંપનીઓ- સરકારના જાહેર સાહસો- કોર્પોરેશન કે સરકારી એજન્સીઓને સમન્સ મોકલવાને બદલે, તંત્રએ સત્તાવાર પત્ર લખવાનો રહેશે અને તપાસના ખુલાસાઓ, કાનૂની જોગવાઈઓ કે તેઓના પ્રતિભાવ મેળવવા, તેઓને પૂરતો અને યોગ્ય સમય આપવાનો રહેશે.
આ ઉપરાંત કહેવાયું છે કે, પરોક્ષ કર માટેની આ તપાસો સર્વોચ્ચ કક્ષાએ એક વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે અને કરદાતાઓને નોટિસ બાદ તપાસ પૂર્ણ થવામાં વિલંબ થવો જોઈએ નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં તંત્ર દ્વારા લાંબા સમય સુધી એક જ બાબત અંગે કરદાતાઓને હાલાકીઓ આપવામાં આવતી હોય છે, અપીલ તંત્ર સમક્ષ કામગીરીઓના ઢગલાં થતાં હોય છે. આ બધી બાબતો ઓનલાઈન થતાં હવે ઘણી મુશ્કેલીઓ શરૂઆતના તબક્કે જ નિવારી શકાશે.