Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મકાનો-દુકાનો-ઓફિસ કે ગોદામો અને કારખાના જેવી મિલ્કતોની ખરીદીઓમાં નાણાંની લેતીદેતીઓ મિકસમાં એટલે કે વ્હાઇટ ઉપરાંત બ્લેકમાં પણ થતી હોય છે, જે ઓપન સિક્રેટ છે. આમ છતાં, રાજકોટને બાદ કરતાં સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, ભાવનગર, જૂનાગઢ કે સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બિલ્ડર્સ અને જવેલર્સ સહિતના વ્યવસાયીઓને લગભગ કયારેય દરોડા જેવી કાર્યવાહીઓમાં’ટચ’ કરવામાં આવતાં નથી. અને બીજી તરફ કાગળ પર કામગીરીઓ દેખાડવા આ અધિકારીઓ મિલ્કત ખરીદનારાઓને ડરાવતા કે ધમકાવતા હોય છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, બિનસતાવાર રીતે એવું જાણવા મળી રહ્યું છે કે, જામનગર સહિતના સૌરાષ્ટ્રના કેટલાંક શહેરોમાં આવકવેરાતંત્ર દ્વારા અંદાજે પાંચસોથી વધુ મિલ્કત ખરીદનારાઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં અચરજની વાત એ છે કે, આ મિલ્કતોની ખરીદીઓમાં નાણાંકીય લેવડદેવડનો જે ઉપલો હિસાબ હોય છે ( જે પેન્સિલ વડે લખાયેલો છે, ચોપડે કયાંય હોતો નથી )તે કાચો હિસાબ આવકવેરાતંત્ર જાણવા માંગે છે, આવો હિસાબ કોઈ આપે ? અને તંત્ર પાસે તેના કોઈ આધાર પુરાવાઓ તો હોય નહીં, આમ છતાં આવા ઉપલા હિસાબ માંગવામાં આવી રહ્યા છે. જેના કારણે ઘણાં લોકો પરેશાન છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જયાં મોટાં પ્રમાણમાં કાળા ધનની લેતીદેતીઓ થતી હોય એવા બિલ્ડર અને જ્વેલર્સ સહિતના ધંધાર્થીઓને બચાવી લઈ એકલદોકલ મિલ્કત ખરીદનારાઓને હેરાન કરવાની તંત્રની આ નીતિ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચર્ચાઓનો મુદ્દો બની છે. અને મિલ્કત ધારકો ફફડી રહ્યા છે. કાગળોની ઝંઝટ અનુભવી રહ્યા છે, નોટિસના જવાબ માટે જાણકારોનો સંપર્ક કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બિલ્ડર્સ અને જ્વેલર્સ તેમજ આંગડીયા પેઢીઓ દ્વારા થતી નાણાંની હેરાફેરીઓમાં ઘણાં લોકો અને રોકાણકારો પણ સંકળાયેલા હોય છે, આમ છતાં આ પ્રકારના લોકો પ્રત્યે તંત્રો કૂણું વલણ અખત્યાર કરતાં હોય છે અને સામાન્ય લોકોને નોટિસ જેવા કાગળોથી ડરાવતા રહેતાં હોય છે, આ મોડસ ઓપરેન્ડી નવી પણ નથી.