Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પોતાને બહુ મોટા બાહુબલી સમજી બેઠેલા કેટલાક તત્વો માથું ઊંચકી રહ્યા છે તેને સખ્ત નશિયત શીખવવાની ઘડી આવી ગઈ હોય લાગી રહ્યું છે, જામનગર મહાનગરપાલિકામાં કેટલાક કોર્પોરેટરો, કોર્પોરેટર પતિઓ અને પૂર્વ કોર્પોરેટરો પોતાના સાચા અને ખોટા કામો માટે કેટલાક અધિકારીઓને અવારનવાર દબાણો કરે દબડાવે ધમકાવે છે અને જો અધિકારીઓ આવા કામો ના કરે તો તેને ગાળો ભાંડવી હુમલાઓની ધમકીઓ આપવા જેવી બાબતોમાં કુખ્યાત બની રહ્યા છે. જેમાં અમુક મામલો દબાઈ જાય છે જયારે અમુક સામે આવે છે આવી જ તાજેતરમાં બનેલ ઘટના છેક પોલીસમથક સુધી પહોચતા એ બાબત સ્પષ્ટ થઇ છે કે જામનગર મનપામાં અધિકારીઓને દબાવી અને તેને ખંખેરવામાં આવી રહ્યા છે.જો કે અધિકારીઓએ પણ મૂંગા મોઢે સહન કરવાને બદલે આગળ આવવું પડશે અને દબાણ કરનારાઓને પાઠ શીખવવો પડશે
બે દિવસ પૂર્વે જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની મનપાના બીજા મજલે આવેલ ચેમ્બરમાં બેસે છે ત્યાં કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7 ની ઇમ્પેકટ ફી ની ફાઇલ કલીરીંગ કરી આપવાની ધાક-ધમકી આપી કહેલ કે હુ પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે તમારે મહાનગર પાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો(ખંડણી ) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઇ જઇ સીટી ઈજનેર ભાવેશ જાનીના શર્ટનો કાઠલો પકડી કહેલ કે હારૂન પલેજાના ખુન થયેલ છે તેમ તમારૂ ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકીઓ આપી ગાળો ભુંડા બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીશ કરી ફરિયાદી જામનગર મનપાના સીટી ઈજનેરની કાયદેસરની ફરજ દરમ્યાન વ્યથા કર્યા અંગે કલમ 387, 332, 504, 506(2), સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
મહત્વનું છે કે થોડા સમય પૂર્વે ટેક્સ વિભાગના કર્મચારીને પણ રીકવરી સમયે ધાકધમકી અને હુમલાની ઘટના સામે આવી હતી તો એસ્ટેટ વિભાગના એક અધિકારીને પણ તાજેતરમાં જ ધમકી આપવામાં આવી હતી એક તો જામનગર મહાનગરપાલિકા પાસે પૂરતા અધિકારીઓ અને કર્મચારીઓ છે નહિ અને તેવામાં આ રીતે ધમકીઓ અને હુમલાઓ કરવામાં આવશે તો અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ તૂટી જશે મનપાના શાશકોએ પણ આ બાબતે આળસ ખંખેરી અને અધિકારીઓ અને કર્મચારીઓના પક્ષે રહી અને તેને ન્યાય મળે તેવા પ્રયાસો કરવા જોઈએ વધુમાં આ કોઈ એક અધિકારી કે કર્મચારીની કે એક વિભાગની વાત નથી પરંતુ કેટલાક માથું કાઢેલા અને કેટલાક માથું કાઢી રહેલા બાહુબલીઓ પોતાના ધાર્યું કરાવવા ધમપછાડા કરતા રહેતા હોય છે જેને કારણે અધિકારીઓ અને કર્મચારીઓ ભયના માર્યા પોતાના કામ કરી શકતા નથી જે બાબત ચિંતાજનક છે.
-અધિકારીઓ અને કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય ત્યારે આ રીતે ધમકીઓ અયોગ્ય:ડી.એન.મોદી:મ્યુ.કમિશ્નર
આ મામલે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ mysamachar.in સાથેની વાતચીતમાં કહ્યું કે આવી ઘટનાઓ જ નિંદનીય છે, કલાકો જોયા વિના પોતાનું કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને દબડાવવાની રીતરસમને સાખી લેવાય નહિ સીટી ઈજનેર ભાવેશ જાનીએ તેમની સાથે બનેલ ઘટના મને વર્ણવતા જ મેં આ મામલે પોલીસ ફરિયાદ કરવા સુચના આપી હતી અને આગળ પણ કોઈ કર્મચારી કે અધિકારી સાથે કોઈપણ વ્યક્તિ આ રીતે ગેરવર્તન કરશે તે કોઈ કિસ્સામાં સાખી લેવામાં આવશે નહિ.