Mysamachar.in-અમદાવાદ:
સરકારી કચેરીઓમાં બેસતાં અથવા કામ કરતાં અધિકારીઓ અને કર્મચારીઓ- પોતાના વિષે શું અભિપ્રાય ધરાવે છે, એ એક અલગ મુદ્દો છે. અને, આ અધિકારીઓ અને કર્મચારીઓ વિષે નાગરિકો શું અભિપ્રાય ધરાવે છે, એ વળી સાવ અલગ મુદ્દો છે. આ ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓ અંગે સરકાર ખુદ શું વિચારે છે, એ મુદ્દો ત્રિકાણનો ત્રીજો ખૂણો લેખાવી શકાય.
નાગરિકો સરકારી વિભાગો સંબંધે રાવ,ફરિયાદ, રજૂઆત કરતાં રહે છે. હોબાળા તથા હંગામા પણ મચતા રહેતાં હોય છે. સામાન્ય તપાસથી માંડીને ખાતાંકીય તપાસ અને વિજિલન્સ તપાસની પણ નાગરિકોમાંથી માંગ ઉઠતી રહે છે. ખુદ સરકાર ચાહે છે કે, નાગરિકોના હિતો ખાતર અધિકારીઓમાં ક્ષમતાનું નિર્માણ આવશ્યક છે. અને, સરકાર એમ પણ ઈચ્છે છે કે, કર્મચારીઓ આપસમાં અને નાગરિકો સાથે વાતચીત કરવાની કળા શીખે. સરકાર આ દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે.
અધિકારીઓમાં ક્ષમતા નથી હોતી, કહેવાનો અર્થ એમ નથી. ઘણાં કેસમાં અધિકારીઓની ક્ષમતાનો ઉપયોગ લોકોના હિતોની જાળવણી માટે પર્યાપ્ત રીતે થતો હોતો નથી. ઘણાં કેસમાં અધિકારીઓ ક્ષમતાવિહોણાં પણ હોય છે અને ઘણાં કેસમાં અધિકારીઓની ક્ષમતાનો કોઈ ભળતો જ ઉપયોગ થતો હોય છે. અને, કર્મચારીઓ વિષે પણ ઘણું લખી શકવાની જગ્યાઓ છે જ.
આ સ્થિતિ નિવારવા, નાગરિકો અને અરજદારોની સેવાઓ અને સુવિધાઓ માટે, સરકારને વધુ કાર્યક્ષમ અને ગતિશીલ બનાવવા અને અધિકારીઓ તથા કર્મચારીઓ નામના સરકારી મેનપાવરના મહત્તમ ઉપયોગ માટે સરકારે ગત્ ચિંતનશિબિરમાં ઘણું ચિંતન કરેલું. અને આ ચિંતનને આધાર બનાવી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સરકારનો નિર્ણય જણાવે છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ વધુ પ્રજાલક્ષી અને અસરકારક વહીવટ આપી શકે તે માટે, તાલીમ અને અભ્યાસ કાર્યક્રમો યોજવામાં આવશે. સરકારના વિવિધ સેવાવિભાગોના વર્ગ-1 ના અધિકારીઓને ક્ષમતા નિર્માણના હેતુઓ માટે વૈશ્વિક રીતે ખ્યાતનામ હોય એવી સંસ્થાઓમાં તાલીમ માટે મોકલવામાં આવશે. વર્ગ-1 થી વર્ગ-3 સુધીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પર 20 કલાકની તાલીમ આપવામાં આવશે.
આ પ્રકારની તાલીમ બાદ અધિકારીઓ અને કર્મચારીઓનું જે વાર્ષિક કામગીરીઓ મૂલ્યાંકન થાય છે તેમાં આ તાલીમના 2 ગુણ ઉમેરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ મે માસમાં સરકારે યોજેલી ચિંતનશિબિરમાં આ મુદ્દો ચર્ચાઓમાં આવ્યો હતો. સંબંધિત અધિકારીઓએ બઢતી અને હાયર પગાર સ્કેલ મેળવતાં પહેલાં બે સપ્તાહની તાલીમ ફરજિયાત રીતે લેવાની રહેશે. તાલીમ નિવાસી અને સંસ્થાકીય એમ બંને પ્રકારની રહેશે.
આ બધી જ બાબતો માટે સચિવાલય કક્ષાએથી દરેક વિભાગ માટે એક એક નોડલ અધિકારીની નિમણુંક થશે. જે સરકારની તાલીમ સંસ્થા સ્પીપા સાથે આ કામ માટે સંકલનમાં રહેશે. અહીં તાલીમની પ્રાથમિકતાઓ પણ નક્કી કરવામાં આવશે. આ તાલીમમાં ભારત સરકારના વહીવટી સુધારણાઓ સંબંધિત કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ ઉપરાંત વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મયોગીઓને વાતચીતની કળા શીખવાડવામાં આવશે. આ કર્મચારીઓમાં કોમ્યુનિકેશનની કેટલીક બાબતો પ્રશ્નો ઉભા કરતી હોય છે, સૌ પાસે આ સ્કીલ હોતી પણ નથી. તેઓને ત્રણ ચાર દિવસની ઓનલાઈન અથવા ઓફલાઈન તાલીમ સ્પીપા દ્વારા અથવા સ્પીપા અને અન્ય કોઈ સંસ્થાના સહયોગથી આપવામાં આવશે, એમ સરકારના આ નિર્ણયો સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્ર જણાવે છે.