Mysamachar.in-ગુજરાત:
ઘણાં બધાં દૂષણો કે ગેરરીતિઓ રોકવા, અનિષ્ટોને ડામવા કે કૌભાંડોને ઉજાગર કરી આવા પ્રકારના બનાવોમાં કસૂરવારો અને દોષિતોને સજા સુધી પહોંચાડવા ઘણાં નિયમો અને કાયદાઓ તેમજ જોગવાઈઓ હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ સારી બાબતોની ચુસ્ત અને કડક તથા તટસ્થ અમલવારી સામે ઉઠતો હોય છે, એવો સૌને અનુભવ છે એ સ્થિતિમાં હવે રેગિંગ સંબંધે નિયમો ઘડાયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરની મેડિકલ કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ગુજરાતની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, રેગિંગ દાયકાઓ જૂનો રોગ છે. રેગિંગ થતાં રહે છે, છાત્ર કે છાત્રા આપઘાત પણ કરતાં રહે છે અને છતાં કસૂરવારો બચતાં રહે છે. આ સ્થિતિને કારણે થોડા સમય અગાઉ વડી અદાલતે ખૂબ જ સંવેદનશીલ અને કડક વલણ અખત્યાર કરી, જવાબદારીઓ નક્કી કરવા અંગે સંબંધિતોને ટકોર પણ કરી હતી અને આદેશ પણ આપ્યો હતો.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓને લઈને સુનાવણીમાં વડી અદાલતે સરકારને આદેશ આપ્યા બાદ, સરકારે રેગિંગ અટકાવવા યુનિવર્સિટીઓ અને કોલેજો માટે અલગથી નિયમો ઘડયા છે. જે મુજબ ગુજરાતની કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં હવે રેગિંગની ઘટના બનશે તો સ્થાનિક કાઉન્સિલ કે કમિશનની જોગવાઈઓ નહીં પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના આ નવા ઘડાયેલાં નિયમો સૌપ્રથમ લાગુ પાડવાના રહેશે.
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ 2009માં કેન્દ્ર સરકારે રેગિંગ મુદ્દે ગાઈડલાઈન તૈયાર કરી હતી. અને જેના આધારે મેડિકલ કાઉન્સિલ-કમિશન, યુજીસી તથા ટેક્નિકલ એજયુકેશન કાઉન્સિલ સહિતની વિવિધ કાઉન્સિલો દ્વારા રેગિંગને રોકવા અલગઅલગ ગાઈડલાઈન બનાવવામાં આવી છે, જેનું હાલ પાલન કરાવવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન તાજેતરમાં રાજ્યની વડી અદાલતમાં રેગિંગ મુદ્દે થયેલી એક પિટિશનના કેસમાં અદાલતે રેગિંગ મુદ્દે રાજ્યમાં શું નિયમો છે તે જાહેર કરવા આદેશ કરેલો. જેથી સરકારના શિક્ષણ વિભાગે આ મુદ્દે અલાયદા નિયમો ઘડયા છે અને એક નોટિફિકેશન મારફતે આ નિયમો જાહેર પણ કરવામાં આવ્યા છે અને અમલ શરૂ કરાવવામાં આવ્યો છે.
આ નવા નિયમોમાં કાઉન્સિલો અને યુજીસીની ઘણી જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને યુનિ.ઓ અને કોલેજોમાં એન્ટિ રેગિંગ કમિટી રચવા ઉપરાંત રેગિંગ મુદ્દે મોનિટરીંગ સેલ અને એન્ટિ રેગિંગ સ્કવોડની પણ રચના કરવાની રહેશે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ ફ્રી કેમ્પસ રહે તે માટે જાગૃતિના પૂરતાં પ્રયાસો કરવાના રહેશે. એડમિશન સમયે, રેગિંગ એ પ્રતિબંધિત બાબત છે એ મુદ્દે પ્રત્યેક વિદ્યાર્થીઓને પૂરતી માહિતી અને જાણકારીઓ આપવાની રહેશે.
આ ઉપરાંત યુનિ.ઓ અને કોલેજોએ પ્રવેશ પત્રિકા (લીફલેટ)માં વોર્ડન, એકેડમિક હેડ, પોલીસ ઓથોરિટી, સંબંધિત જિલ્લા ઓથોરિટી, એન્ટિ રેગિંગ કમિટીના સભ્યો સહિતના તમામ ઓથોરાઈઝડ વ્યક્તિઓની માહિતીઓ આપવાની રહેશે. જેથી જૂનિયર વિદ્યાર્થીઓને કોઈ બાબતમાં સિનિયરની મદદ ન લેવી પડે. યુનિ.ઓ અને કોલેજોના વડાએ દરેક શૈક્ષણિક વર્ષના અંતે વાલીઓને રેગિંગ મુદ્દે શું નિયમો છે અને શું સજાઓ છે તે બાબતે એક પત્ર પણ મોકલવાનો રહેશે.
યુનિ.ઓ અને કોલેજોમાં પ્રવેશ સમયે એપ્લિકેશન ફોર્મમાં અને એનરોલમેન્ટ ફોર્મમાં તમામ નિયમો આપીને દરેક વિદ્યાર્થીની આ અંગે બાંહેધરી પણ લેવાની રહેશે. દરેક કોલેજે શૈક્ષણિક વર્ષની શરૂઆતના ત્રણ મહિનાઓ સુધી દર સપ્તાહે કુલપતિને રિપોર્ટ મોકલવાનો રહેશે. જ્યારે યુનિ.ઓના કુલપતિઓએ પણ કુલાધિપતિને રેગિંગ મુદ્દે રિપોર્ટ મોકલવાના રહેશે. સરકારના ટેક્નિકલ શિક્ષણ ડિરેક્ટર અને હાયર એજયુકેશન ડિરેક્ટર દ્વારા યુનિ.ઓ અને કોલેજો પાસેથી રિપોર્ટ માંગવામાં પણ આવશે.
-રેગિંગ મુદ્દે આ સજાઓ નકકી
કોલેજ અને સંસ્થા લેવલે દોષિત વિદ્યાર્થીને ક્લાસ ભરવા પર અને શૈક્ષણિક લાભો લેવા પર પ્રતિબંધ. સ્કૉલરશિપ, ફેલોશિપ અને અન્ય લાભો અટકાવવા. પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ. અને, પરીક્ષાઓ આપી હોય તો પરિણામ પણ અટકાવવું. આ ઉપરાંત યુનિ.ઓ લવલે જો કોલેજ રેગિંગ મુદ્દે ગાઈડલાઈનનું પાલન ન કરે, રેગિંગ અટકાવવા પ્રયાસ ન કરે અથવા રેગિંગ મુદ્દે નિષ્ફળ રહે તો યુનિ. સંલગ્ન કોલેજનું યુનિ. સાથેનું જોડાણ રદ્દ કરવામાં આવે, માન્યતા રદ્દ કરવા સાથે અન્ય તમામ લાભો પણ રદ્દ કરવામાં આવે.
(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)





