Mysamachar.in-અમદાવાદ:
ગત્ શિયાળામાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કયાંય પણ કોલ્ડવેવનો અહેસાસ ન થયો. પરંતુ હવામાન વિભાગ કહે છે, આ ઉનાળો હીટવેવનો અનુભવ કરાવી શકે છે. હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સવાર-સાંજ વાતાવરણ ખુશનુમા રહે છે પરંતુ બપોરના સમયે તાપ આકરો હોવાની પ્રતીતિ થઈ રહી છે.
હવામાન વિભાગ કહે છે: આગામી દિવસોમાં હીટવેવની સંભાવનાઓ કેટલાંક વિસ્તારોમાં અનુમાનિત છે. રાજ્યના ચોક્કસ વિસ્તારોમાં આમ થઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ એમ પણ કહે છે કે, આગામી પાંચેક દિવસ સુધી સમગ્ર રાજ્યમાં તમામ સેન્ટરમાં મહત્તમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઉંચો જઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં ગરમ પવનોની પણ શકયતાઓ છે.
હવામાન વિભાગ કહે છે: ખાસ કરીને પોરબંદર અને કંડલા વિસ્તારોમાં હીટવેવની શકયતાઓ છે. આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. અનુમાન છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં કયાંય પણ હીટવેવનો અનુભવ આગામી રવિવાર સુધીમાં થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉનાળાના પ્રારંભે જ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઉંચુ નોંધાઈ રહ્યું છે. આ તાપમાનમાં હજુ વધારો થશે. હવામાન વિભાગે અગાઉ પણ કહેલું કે, ઉનાળો આકરો રહેશે. ઓખા, પોરબંદર, રાજકોટ, નલિયા તથા કંડલા જેવા પંથકોમાં હીટવેવની આગાહી છે. જામનગરનું મહત્તમ તાપમાન હાલ 36.5 ડિગ્રી આસપાસ રહે છે. જે રવિવાર સુધીમાં 38 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.