Mysamachar.in-જામનગર:
જામનગરમાં 6 વર્ષના સમયગાળા બાદ વધુ એક વકીલની કરપીણ હત્યા નિપજાવવામાં આવતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. અગાઉના હીચકારા બનાવની માફક આ બનાવ પણ સરાજાહેર બન્યો છે, જે દર્શાવે છે કે ગુનાખોર તત્વો પર કાનૂન કે પોલીસની કોઈ જ ધાક નથી. શહેરના અતિશય સંવેદનશીલ એવા બેડેશ્વર-બેડી વિસ્તારમાં સમી સાંજે આ કરપીણ હત્યાનો બનાવ બનતાં સમગ્ર શહેરના મુસ્લિમ સમુદાયમાં સન્નાટો છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ હત્યા જામનગર પોલીસને ખુલ્લો પડકાર છે.
આ ચકચારી બનાવની બહાર આવેલી વિગતો એવી છે કે, બુધવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં મુસ્લિમ વાઘેર સમાજના અગ્રણી અને વ્યવસાયે વકીલ હારૂન પાલેજા બુલેટ મોટરસાયકલ પર સવાર થઈ બેડેશ્વર વિસ્તારમાં જ આવેલી વાછાણી ઓઈલ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમના પર આ હીચકારો હુમલો થયો. બાદમાં હુમલાનો આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. આ હુમલા બાદ લોહીથી લથબથ હારૂન પાલેજાને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં પરંતુ હોસ્પિટલે તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ગંભીર અને ઘાતક ઈજાઓને કારણે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લઇ લીધાં હતાં. આ બનાવની જાણ થતાં જ, હોસ્પિટલે હજારો લોકો ઉમટી પડ્યા હતાં. એસપી સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને, તે દરમિયાન શહેરના અતિ સંવેદનશીલ એવા બેડેશ્વર બેડી વિસ્તારમાં પોલીસના ધાડાં ઉતરી પડ્યા હતાં.
બુધવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ બનેલા આ બનાવ અંગે શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે 11:15 કલાકે ફરિયાદ દાખલ થઈ હતી. મૃતક હારૂન પાલેજાના નગરસેવક ભત્રીજા નૂરમામદ ઓસમાણભાઈ પાલેજાએ આ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે IPCની કલમ-302, 120-B, 143,147,148,149 તથા જીપી એકટની કલમ-135(1) મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ ફરિયાદમાં ફરિયાદી નૂરમામદ પાલેજાએ જણાવ્યું છે કે, ફરિયાદીના કાકા હારૂનભાઈ કાસમભાઈ પાલેજા વકીલ હતાં અને ગત્ વર્ષે રજાક નૂરમામદ સાયચા, અખ્તર અનવર ચમડીયા અને અફરોઝ તૈયબ ચમડીયા વિરુદ્ધ દાખલ થયેલાં ગુનાના કેસમાં જામીનઅરજી દરમિયાન ફરિયાદ પક્ષે મારાં કાકા (મૃતક હારૂનભાઈ)વકીલ તરીકે હાજર રહ્યા હતાં. જે જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ રૂમની બહાર લોબીમાં તે ગુનાના ફરિયાદી ઈશાકભાઈ ઈબ્રાહીભાઈ હુંદડા તથા મારાં કાકા મૃતક હારૂનભાઈ અને ફરિયાદીના અન્ય વકીલ વગેરે કોર્ટ લોબીમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે, હાલના કેસના આરોપીઓ પૈકી રઝાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડીયા તથા સબીર ઓસમાણ ચમડીયાએ ગાળો આપી, ફરિયાદ પાછી ખેંચી લેવા તથા જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
ત્યારબાદ ઉપરોકત 3 આરોપીઓ સહિતના કુલ 15 આરોપીઓએ ગુનાહિત કાવતરૂં રચી, આ કાવતરાંના ભાગરૂપે આરોપીઓ નં. 1 થી 8 વાળાઓએ ગેરકાયદે મંડળી રચી છરી, પાઈપ, ધોકા તથા લોખંડના ગોળા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી, મારાં ( ફરિયાદીના) કાકા હારૂનભાઈ કાસમભાઈ પાલેજાને જાનથી મારી નાંખવાના ઈરાદા સાથે, GMB કોલોની નજીક ( બેડેશ્વર) માથામાં તથા શરીરે આડેધડ ઘા મારી ઈજાઓ કરી હારૂનભાઈનું મોત નિપજાવયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ અગાઉ એક શિક્ષિકાએ આપઘાત કરેલો. આ કેસ હાલમાં પણ ચકચારી છે અને હાલના આ મર્ડર કેસના કેટલાંક આરોપીઓની તે આપઘાત કેસમાં પણ સંડોવણી હોવાનું કહેવાય છે, જે અનુસંધાને મૃતક હારૂનભાઈને અગાઉ જાનથી મારી નાંખવાની ધમકી પણ મળેલી એમ હાલની ફરિયાદમાં જણાવાયું છે, તેને કારણે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, હારૂનભાઈને ધમકી મળી હતી, છતાં તેમને બચાવી શકાયા નહીં ?! કાનૂન અને પોલીસનો ડર રાખ્યા વિના, ધમકી આપનારાઓએ ધમકીને અંજામ પણ આપી દીધો ? પોલીસને પડકાર ફેંક્યો?! અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલમાં જ સાયચા બંધુઓના ગેરકાયદેસર બંગલા તોડી પડાયા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, છ વર્ષ અગાઉ પણ શહેરમાં એક વકીલ, કિરીટ જોષીની કરપીણ હત્યા આ જ રીતે સરાજાહેર નિપજાવવામાં આવેલી, જેના આરોપીઓ લાંબા સમયે ઝડપાયા હતાં, ત્યારબાદ પોલીસ સમક્ષ આ બીજો કેસ પડકાર બનીને આવ્યો છે.
-કોની કોની સામે દાખલ થયો ગુન્હો…
બસીર જુસબ સાઈચા, ઈમરાન નુરમામદ સાઈચા, રમઝાન સલીમ સાઈચા, સીકંદર નુરમામદ સાઈચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાઈચા, જાબીર મહેબુબ સાઈચા, દીલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ ગુલામ જુસબ સાઈચા, એઝાજ ઉમર સાઈચા, અસગર જુસબ સાઈચા, મહેબુબ જુસબ સાઈચા, રઝાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડીયા, સબીર ઓસમાણ ચમડીયા