Mysamachar.in-રાજકોટ:
અકસ્માત જાણે કે રોજની બાબતો બની ગઈ છે. લોકોના મોત થતાં રહે છે. કસૂરવારો કોણ હતાં ? તેની કોઈ તપાસ જ નથી થતી અને કસૂરવાર સ્પષ્ટ હોય એવા કિસ્સાઓમાં પણ કસૂરવારો માટે કોઈ આકરી સજાઓ નથી. જેને કારણે અકસ્માત જેવી ઘાતક ઘટનાઓને પણ કયાંય, કોઈ ગંભીર લેખતું નથી. આવો વધુ એક અકસ્માત નોંધાયો છે, જેમાં 3 જિંદગીઓનો ભોગ લેવાઈ ગયો છે. આ પ્રકારના સમાચાર જૂના થાય એ પહેલાં તો કયાંક ને ક્યાંક નવો અને ઘાતક અકસ્માત સર્જાઈ જતો હોય છે, જેથી અગાઉના અકસ્માત સૌ ભૂલી જતાં હોય છે. આ વલણ ચિંતાપ્રેરક નથી ?!
વધુ એક ઘાતક અકસ્માત રાજકોટ જિલ્લામાં બન્યો હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આ અકસ્માત નોંધાયો છે. પૂરપાટ દોડી રહેલી એક કારે એક બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ટક્કરને કારણે એક યુવાન અને તેની બે નાની ઉંમરની ભાણેજના કમકમાટીભર્યા મોત નીપજયા હોવાનું જાહેર થયું છે.
જસદણ પંથકમાં આવેલાં બાખલવડ ગામ નજીક આ અકસ્માત બન્યો છે. જેમાં ઓવરસ્પીડથી દોડતી એક કારે બાઈકને હડફેટમાં લઈ ફંગોળી દીધાંનું જાહેર થયું છે. આ બાઈક અજય સદાદીયા નામનો યુવાન ચલાવી રહ્યો હતો. અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ, આ બાઈકચાલકની પાછળ તેની બે નાની ઉંમરની ભાણેજ બેઠી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આ યુવાન તથા તેની બે ભાણેજ- એમ ત્રણેયના મોત થયા છે. મોતને ભેટેલી આ બે બાળાઓનાં નામો કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં કારચાલક ઈજાગ્રસ્ત બન્યો છે. જેની હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઉપરાંત રાજકોટના શાપરમાં પણ એક અકસ્માત થયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ અકસ્માતમાં એક બાઈક કિસાન ગેટ સામેના પુલ પર રોંગ સાઈડમાં જતું હતું ત્યારે એક બોલેરો વાહન સાથે બાઈકની ટક્કર થઈ હતી. આ પ્રાણઘાતક અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.