Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દરિયાકિનારે ચાલતાં ચોક્કસ પ્રકારના કુંડાળાઓની માફક દરિયાના છીછરા તળિયે પણ ચોક્કસ પ્રકારના કુંડાળાઓ અને ગેરકાનૂની કામો થઈ શકતા હોય છે, થાય પણ છે. આવું હમણાં વધુ એક વખત બહાર આવ્યું. આ પ્રકારના કૃત્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના દરિયામાં થતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે ઘણાં લોકો એમ પણ કહે છે કે, માછલી પકડવાની જાળ સહિતની ચીજો નકામી બની ગઈ હોય ત્યારે માછીમારો દ્વારા દરિયામાં ફેંકી દેતાં હોય છે અથવા ક્યારેક અકસ્માત જેવા કારણોસર જાળ સહિતની ચીજો દરિયાના છીછરા તળિયે અથવા પાણીમાં અંદર તરતી હોય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઘોસ્ટ ગિયર, ગિલ અથવા નેટ જેવા નામોથી ઓળખવામાં આવે છે, આવી અસંખ્ય ચીજો તથા પ્લાસ્ટિકની ચીજો વગેરે દરિયાના પાણીમાં અથવા છીછરા તળિયાના ખડકોમાં ફસાઈ જતી હોય છે. આવી ચીજોમાં સામાન્ય માછલીથી માંડીને ડોલ્ફીન સહિતનાં અસંખ્ય જીવો ફસાઈ જતાં હોય છે, મોતને પણ ભેટતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં આવી નેટ અથવા ગીલ જાણીજોઈને પણ રાખવામાં આવતી હોય છે, જેને ગેરકાયદેસર ફિશિંગ પણ કહે છે.
સરકારની મરીન સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો તથા મરીન નેશનલ પાર્કનો વનવિભાગનો સ્ટાફ આ પ્રકારની નુકસાનકારક ચીજો દરિયામાંથી એકત્ર કરી સફાઈ કરે છે, દરિયાઈ જીવ સૃષ્ટિ તથા સમુદ્રી ઈકોલોજીનું સંરક્ષણ કરે છે. તાજેતરમાં 29 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન આ પ્રકારની સફાઈ કામગીરીઓ મીઠાપુર દરિયામાં કરવામાં આવી. જયાં અંદાજે 150 કિલોગ્રામ વજનની નેટસ સહિતની ચીજો મળી આવી છે. ઘણાં કેસમાં એવું પણ બને છે કે, આવી ચીજો દરિયામાં ક્યાંકથી તણાઈને પણ આવતી હોય છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, મીઠાપુર ખાતેની આ કામગીરીઓ સ્કૂબા ડાઈવરની મદદથી કરવામાં આવી હતી. આ પ્રકારની ચીજો મોટેભાગે ફાઇબરની હોય છે જેથી દરિયાના પાણીમાં ઓગળતી નથી અને લાંબા સમય સુધી દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી અને ઘાતક સાબિત થતી રહે છે. તાજેતરમાં વેરાવળ CIFT (central institute of fisheries technology)ના વૈજ્ઞાનિકોએ તથા જામનગર મરીન નેશનલ પાર્કના સ્ટાફ દ્વારા મીઠાપુર ખાતે આ કામગીરીઓ કરી દરિયાઈ સ્વચ્છતા કરવામાં આવી. આ કામગીરીઓમાં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોલકાતા અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી.
CIFT કોચીનના મુખ્ય વૈજ્ઞાનિક ગીતા લક્ષ્મી આ સ્વચ્છતા એકશન પ્લાનના નોડલ અધિકારી તરીકે સાથે રહ્યા હતાં. તેમના જણાવ્યા મુજબ, આ પ્રકારનું સ્વચ્છતા અભિયાન મીઠાપુર ખાતે પ્રથમ વખત કરવામાં આવ્યું. આ કામગીરીઓમાં 10 સંશોધકો અને સ્કોલર જોડાયા હતાં. તેમના કહેવા મુજબ, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં આ પ્રકારનો ‘કચરો’ હોવાની સંભાવનાઓ છે કેમ કે, આ દરિયાકિનારો અંદર ખડકાળ છે અને આવી હજારો ચીજોનો દરિયામાં માછીમારો સહિતના લોકો નિકાલ કરતાં હોય છે. આ બધી જ પ્લાસ્ટિક અને ફાયબરની ચીજો સી-ફૂડ મારફતે માણસના શરીરમાં પણ જતી હોય શકે. આ વિષે લોકોમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા છે.