Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 7મી માર્ચે સાંજે કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણીઓ અગાઉના આ દિવસોમાં, કરોડોના ખર્ચની વિવિધ ફાઈલોને મંજૂરીઓ આપવામાં આવી છે. શહેરના તળાવ પાર્ટ-2 તથા 3 ના વિકાસ માટે રૂ. 38 કરોડ કરતાં વધુની રકમનો ખર્ચ કરવામાં આવશે.
તળાવના મિગ કોલોની તરફના બંને ભાગોને રૂ. 38.82 કરોડના ખર્ચથી વિકસાવવામાં આવશે. 26.6 હેક્ટર જમીન પર ફેલાયેલા તળાવના આ ભાગમાં અંદાજે 133 કરોડ લિટર જેટલાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે. અહીં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ આખું ડેવલપમેન્ટ પર્યાવરણની થીમ પર કરવામાં આવશે. આ આખો વિસ્તાર વાઈબ્રન્ટ હેલ્ધી અર્બન પ્લેસ બની શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કમિટીની બેઠકમાં રસ્તાઓના કામો, ભૂગર્ભ ગટરના કામો, DP રોડ વિકાસ માટે સૈધ્ધાંતિક સ્વીકાર ઉપરાંત પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાક્ટ સહિતના કામોને મંજૂરીઓ આપવામાં આવી છે. જો કે બગીચાઓ વગેરેના કેટલાંક કામો હાલ પેન્ડિંગ જાહેર કરવામાં આવ્યા છે. ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મેયર અને કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં 7 કામો ચેર પરથી અને અન્ય કુલ 44 કામો કમિટીમાં એમ કુલ 51 કામો તથા તેના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતાં.