Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 1 થી 3 માર્ચ દરમિયાન, એકસાથે બે સાયકલોનિક અસરોને કારણે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, થંડર સ્ટોર્મ એક્ટિવીટી જોવા મળી શકે છે અને સાથે-સાથે ચાલીસેક કિલોમીટરની ગતિ સુધીનો મિની વાવાઝોડાં જેવો પવન અનુભવવા મળી શકે છે, આ પ્રકારની આગાહીઓ ગત્ 28 તથા 29 ફેબ્રુઆરીએ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને આ આગાહીઓ મુજબનું વાતાવરણ કાલે પહેલી માર્ચે અને આજે બીજી માર્ચે પણ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી કહે છે, આજે બીજી માર્ચે રાજ્યના 22 જિલ્લાઓમાં ગમે તે સ્થળો પર કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
જામનગરમાં આજે સવારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળેલ હતું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં છાંટણા થયા હતાં, આકાશમાં પાણીવાળા ઘેરા વાદળોના કારણે વાતાવરણ ઠંડુ અને બોઝિલ જણાઈ આવતું હતું, જો કે વચ્ચે વચ્ચે વાદળો હટતાં સૂરજદાદા હાઉકલી પણ કરી લેતાં હતાં. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ પ્રકારનું વાતાવરણ રહ્યું હોવાના અહેવાલો છે.
ઉત્તર ગુજરાતના પાટણ સહિતના પંથકો, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના ઘણાં વિસ્તારોમાં છાંટણા, ઝાપટાં અને ધોધમાર કમોસમી વરસાદના અહેવાલ છે. જામનગર પંથકના ચંદ્રગઢ સહિતના કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં તો જાણે કે, ચોમાસું રિટર્ન જેવા દ્રશ્યો સર્જાયા હતાં.
દરમિયાન, દેવભૂમિ દ્વારકા જિલ્લાથી મળતો સંદેશો જણાવે છે કે, દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળેલ હતો. દ્વારકા પંથકમાં આજે સવારે ચઢતાં પહોરે ગાજવીજ સાથે એક જોરદાર ઝાપટું વરસી ગયું હતું જેને કારણે ઠેરઠેર વરસાદી પાણી વહેતાં જોવા મળેલ હતાં. આ સાથે જ પવનની ગતિનું જોર પણ અનુભવાયું હતું.
દ્વારકા પંથક ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ મોસમ બેઈમાન બની હતી. આજે વહેલી સવારે સામાન્ય છાંટણા બાદ, 08-30 વાગ્યા આસપાસ ઘટાટોપ વરસાદી માહોલ વચ્ચે લાંબા સમય સુધી જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું, જેને કારણે સર્વત્ર વાતાવરણ ટાઢુંબોળ બની ગયું હતું. આ ઝાપટાંને કારણે ખંભાળિયા શહેરની મુખ્ય બજારો તથા ઘણાં બધાં વિસ્તારોમાં વરસાદી પાણી વહ્યા હતાં. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટાંના અહેવાલો વચ્ચે ખેડૂતોમાં પાક નુકસાની અંગે ચિંતાઓ સંભળાતી હતી. આ જોરદાર ઝાપટાંની અસરો ખંભાળિયા શહેરના જનજીવન પર વધુ પ્રમાણમાં જોવા મળી, તમામ મુખ્ય બજારોમાં પણ મોડી ચહલપહલ શરૂ થઈ કેમ કે બજારો પણ મોડી ખુલી હતી. જિલ્લા કંટ્રોલ રૂમનાં સંદેશા પ્રમાણે, સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં દ્વારકા શહેરમાં અડધાં ઈંચથી વધુ વરસાદ એટલે કે 16 મિમી વરસાદ નોંધાયો જ્યારે ખંભાળિયામાં 7 મિમી વરસાદ થયો હતો.
દરમિયાન, જામનગર પંથકના ચંદ્રગઢ અને રામપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયા જેવી હાલત જોવા મળી. ખેડૂતોએ કહ્યું કે, આ કમોસમી વરસાદને કારણે, હાલ તૈયાર થઈ રહેલાં ધાણાંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.