Mysamachar.in-ગાંધીનગર:
કયાંથી ભણે ગુજરાત ? અને, કેમ વાંચે ગુજરાત ? આ પ્રકારના પ્રશ્નો બધે જ ચર્ચાઈ રહ્યા છે, કેમ કે શિક્ષક બનવાની તમામ યોગ્યતા ધરાવતા લાખો ઉમેદવાર બેકાર છે અને બીજી તરફ રાજ્યભરમાં શિક્ષકોની ઘટને કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસરો જોવા મળી રહી છે.
ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષાઓ પાસ કરી હોય તેવા ઉમેદવારોની ભરતી કરવાને બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતીઓ કરવાનો નિર્ણય કરતાં, રાજ્યમાં 3.83 લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે, તેઓએ શિક્ષક બનવાની યોગ્યતા મેળવી છે તો પણ.
આ ઉમેદવારો રાજ્યમાં શિક્ષકોની ભરતીઓ કરવાની માંગ સાથે અવારનવાર આંદોલન કરે છે, આમ છતાં સરકાર દ્વારા તેઓની ભરતીઓ યોજવામાં આવતી નથી. આ લાખો ઉમેદવારોની લાંબા સમયથી ભરતીઓ ન થતાં હવે તેઓની વયમર્યાદાનો પ્રશ્ન પણ ઉભો થયો છે.
વિધાનસભામાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું છે કે, ટેટ-1 પાસ 39,395 અને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. આ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328 અને માધ્યમિક દ્વિસ્તરીય ટાટ પાસ 28,307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15,253 ઉમેદવારોએ પરીક્ષાઓ પાસ કરી છે. આમ કુલ 3.83 લાખ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પાસ કરી છે.
આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલાં ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવી છે, એ પ્રશ્નના ઉત્તરમાં વિધાનસભામાં કહેવાયું કે, 2022માં ટેટ-1 પાસ થયેલાં 2,300 અને ટેટ-2 પાસ થયેલાં 3,378 ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવી છે. જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ જ ભરતીઓ કરવામાં આવી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક સ્કૂલમાં ભરતીઓ કરવામાં આવી નથી.
આ ઉમેદવારોની ભરતીઓ ક્યાં સુધીમાં કરવામાં આવશે એવા એક પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કોઈ વચન કે હૈયાધારણાં આપી નથી. મંત્રીએ જણાવ્યું કે, જરૂરિયાત મુજબ ભરતીઓ કરવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિકમાં 5,985 જગ્યાઓ ભરવા માટે 4,138 ઉમેદવારોને જ્ઞાન સહાયક તરીકે નિમણૂંકો આપી છે.
જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું હતું કે, માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ રૂપિયા 24,000 નું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂંકો નવેમ્બર-2023 માં કરી હતી. આ શિક્ષકોને સમયસર વેતન પ્રાપ્ત થતું ન હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો છે.