Mysamachar.in:જામનગર
જામનગર સહિત દેશભરમાં નાગરિકોના આરોગ્યનો મુદ્દો હવે ખૂબ જ સંવેદનશીલ બની ચૂક્યો છે, ખુદ સુપ્રિમ કોર્ટ પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કરી રહી છે અને સરકારોને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી રહી છે, હાલમાં જ વધુ એક વખત સર્વોચ્ચ અદાલતે નાગરિકોના આરોગ્ય મામલે સખત ટીપ્પણીઓ કરી છે. દેશભરમાં આરોગ્ય સેવાઓ ઘણી મોંઘી છે અને ખાનગી હોસ્પિટલો આરોગ્ય સેવાઓ અને સુવિધાઓના બદલામાં લોકો પાસેથી ચિક્કાર નાણાં વસૂલી રહી છે, આ પ્રકારનો એક મામલો સુપ્રિમ કોર્ટ સમક્ષ પહોંચી ગયો. જેમાં અદાલતે વિસ્તૃત ટીપ્પણીઓ કરી છે.
સુપ્રિમ કોર્ટે સરકારને તાકીદ કરી છે કે, 14 વર્ષ અગાઉ આવેલાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસ એકટનો સખત રીતે અમલ થવો જરૂરી છે. જો કેન્દ્ર સરકાર રાજ્યો પાસે આ કાયદાનો કડકાઈથી અમલ નહીં કરાવે તો, અદાલત ખુદ આ મામલે આદેશ કરશે, એવી ચેતવણી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કાયદામાં તમામ હોસ્પિટલોમાં સારવાર ખર્ચ એક સમાન રાખવાની જોગવાઈ પણ છે.
દાખલા તરીકે: આંખના મોતિયોના ઓપરેશનનો ચાર્જ સરકારી હોસ્પિટલમાં રૂ. 10,000 લેવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં આ ચાર્જ રૂ. 30,000થી માંડી રૂ.1.40 લાખ સુધીનો વસૂલી લેવામાં આવે છે. આ પ્રકારની ટીપ્પણીઓ સાથે સુપ્રિમ કોર્ટે અલગઅલગ હોસ્પિટલમાં વસૂલવામાં આવતાં અલગઅલગ સારવાર ખર્ચ સામે વાંધો ઉઠાવ્યો છે.
આ કાયદો 14 વર્ષ જૂનો હોવા છતાં તેના અમલમાં અસમર્થતા બદલ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સરકારે સુપ્રિમ કોર્ટમાં એવો બચાવ કરેલો કે, આ અંગે રાજ્યોની સરકારોને વારંવારની સૂચનાઓ છતાં રાજ્યો તરફથી યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી. કેન્દ્ર સરકારે આ રીતે પોતાની અસમર્થતા જાહેર કરી હતી.
આ જવાબ સાંભળીને સર્વોચ્ચ અદાલતે કહ્યું: આરોગ્ય હવે નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને રાજ્યો જવાબ આપતાં ન હોવાની દલીલો સાથે કેન્દ્ર સરકાર આ મુદામાં હાથ ખંખેરી ન શકે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવને કહ્યું: એક મહિનાની અંદર રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક કરી, હોસ્પિટલોમાં એકસમાન સારવાર ખર્ચ માટેનું નોટિફિકેશન તમોએ તૈયાર કરવાનું રહેશે.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર આ મુદ્દે ઉપાય-ઉકેલ મેળવવામાં નિષ્ફળ જશે તો, આરોગ્ય કેન્દ્રોમાં એકસમાન નિયત સારવાર દર માટેનો આદેશ અદાલત જાહેર કરી દેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક સ્વૈચ્છિક સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે જાહેર હિતની અરજી દાખલ કરી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટસ એકટની જોગવાઇઓ આગળ ધરી, તમામ હોસ્પિટલોમાં એકસમાન અને નિયત સારવાર દર લાગુ કરવા કેન્દ્ર સરકારને જરૂરી સૂચનાઓ આપવા માંગ કરી હતી, જેના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે સુનાવણીમાં ઉપરોકત ટીપ્પણીઓ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કાયદા પ્રમાણે તમામ હોસ્પિટલ તથા ક્લિનિકમાં વિવિધ તબીબી સેવાઓના દરનું બોર્ડ ફરજિયાત રાખવાની જોગવાઈ છે. દરેક તબીબી પ્રોસિજર અને સર્વિસ માટેના કેન્દ્રના નિયત ચાર્જ લેવાની કાયદામાં જોગવાઇ છે.
આ જાહેર હિતની અરજી કરનાર સંગઠને જસ્ટિસ બી.આર.ગવઈ તથા સંદિપ મહેતાની બેન્ચ સમક્ષ એમ કહ્યું કે, કોરોનાકાળ દરમ્યાન કેન્દ્ર સરકારે તાબડતોબ સારવાર ખર્ચ નક્કી કરી દીધો હતો. પરંતુ અન્ય કિસ્સાઓમાં ઢીલ કરવામાં આવી રહી છે. રાજ્યો સારવાર ખર્ચ મામલે કેન્દ્રને સહકાર ન આપતાં હોય તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી જ શકે છે, એમ પણ આ અરજીમાં કહેવાયું છે.





